લગ્નના દિવસે જ સ્મૃતિ મંધાનાના પિતાની તબિયત લથડતાં સમારોહ મોકૂફ રખાયો
મુંબઈ, સ્ટાર મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ અચાનક પોતાના લગ્ન મુલતવી રાખ્યા છે. રિપોર્ટ અનુસાર, મંધાનાના પિતા શ્રીનિવાસ મંધાનાને સાંગલીના સમડોલમાં મંધાના ફાર્મ હાઉસમાં લગ્નની તૈયારીઓ દરમિયાન હાર્ટ એટેક આવ્યો.
સ્ટાર ક્રિકેટરના બિઝનેસ મેનેજર તુહિન મિશ્રાએ આ વાતની પુષ્ટિ કરી છે. મંધાનાના પિતાને તાત્કાલિક સાંગલીની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને તાત્કાલિક સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. પરિવારના નજીકના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે, સમાચાર સાંભળીને સ્મૃતિ મંધાના અને તેનો આખો પરિવાર હોસ્પિટલ દોડી ગયો.
હાલમાં પરિવારે જણાવ્યું છે કે, મંધાનાના પિતાની તબિયત સ્થિર છે અને તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે, જે આ મુશ્કેલ સમયમાં થોડી રાહત આપે છે. લગ્ન મેનેજમેન્ટે મીડિયાને સત્તાવાર રીતે માહિતી આપી કે, આજના સમારોહને રદ કરવામાં આવ્યો છે. હજુ સુધી નક્કી થયું નથી કે, લગ્નની ઉજવણી ક્્યારે ફરી શરૂ થશે.
સ્મૃતિ મંધાનાના મેનેજરે જાણકારી આપતા કહ્યું કે, “આજે સવારે જ્યારે સ્મૃતિના પિતા નાસ્તો કરી રહ્યા હતા, ત્યારે તેમની તબિયત લથડી છે. અમે થોડીવાર રાહ જોઈ, વિચાર્યું કે બધું સામાન્ય થઈ ગયું છે અને તે સ્વસ્થ થઈ જશે, પરંતુ તેની તબિયત બગડતી રહી. અમે કોઈ જોખમ ન લેવાનું નક્કી કર્યું, તેથી અમે એમ્બ્યુલન્સ બોલાવી અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હવે તેઓ દેખરેખ હેઠળ છે.”
નોંધનીય છે કે, સ્મૃતિ અને પલાશ ૨૩ નવેમ્બરના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાં તેમના નજીકના પરિવાર અને ફેન્સની હાજરીમાં લગ્ન કરવાના હતા. મહિલા વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમના ઘણા સભ્યો લગ્ન સમારોહ દરમિયાન સ્મૃતિ સાથે હાજર હતા.SS1MS
