Western Times News

Gujarati News

પોલીસે હોટલ કર્મીને ઉપરા ઉપરી ૯ લાફા ઝીંકી દીધા

રાજકોટ, રાજકોટ શહેર પોલીસની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ થતા પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે. કારણ કે રાજકોટ મવડી ચોકડી પાસે આવેલી દ્વારકાધીશ હોટલમાં ગઈકાલે રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી.

જેમાં ખુદ પોલીસ કર્મચારીઓ જ હોટલ સ્ટાફના એક કર્મચારીને બેરહેમીથી માર માર્યો હતો. આ સમગ્ર ઘટના હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને તેના ફૂટેજ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

મળતી માહિતી મુજબ, પોલીસ કર્મીના મહેમાનો આ દ્વારકાધીશ હોટલમાં રોકાયા હતા. દરમિયાન રાતના સમયે કોઈ બાબતે હોટલના કર્મચારી અને પોલીસ સ્ટાફના મહેમાનોની બોલાચાલી થઈ હતી.

આ જાણીને માલવિયાનગર પોલીસ સ્ટેશનમાંથી આ પોલીસકર્મીઓ દોડી આવ્યા અને ગુસ્સે ભરાયેલા પોલીસ કર્મીઓએ હોટલના કર્મચારીને રોફ દેખાડવા લાગ્યા અને હોટેલ સ્ટાફના કર્મીને ધક્કા માર્યા બાદ લાફા અને મુક્કાનો વરસાદ કર્યો હતો. આ ઘટના દરમિયાન હોટલના અન્ય કર્મચારીઓ પણ ડરના માર્યા ચૂપ રહ્યા હતા, તે સમગ્ર ઘટનાના હાલ ષ્ઠષ્ઠંv વીડિયો પણ સામે આવી રહ્યા છે.

સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ત્રણેક જેટલા પોલીસ કર્મીઓ હોટેલમાં પ્રવેશે છે અને હોટેલ સ્ટાફના બે માણસો સાથે રકઝક શરૂ કરે છે. જે બાદ કોઈ ડર કે લાજની પરવા કર્યા વિના બે પોલીસ કર્મીઓ હોટલના સ્ટાફના એક વ્યક્તિને ધક્કા મારી લાફા અને મુક્કાનો વરસાદ કરે છે.

દરમિયાન માર ખાનાર હોટેલ કર્મી તેમનાથી દૂર જવાનો પ્રયત્ન કરી રહ્યો છે, ત્યારે આ બંને પોલીસકર્મીઓ તેનો પીછો કરી ઉપરાઉપરી ૯ લાફા ઝીંકી દે છે.

નોંધનીય છે કે, ઘટનામાં માર ખાધા બાદ પીડિત હોટેલ કર્મચારી શરૂઆતમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા મક્કમ હતો, પરંતુ પોલીસકર્મીઓએ માફી માંગવામાં આવતાં તેણે લેખિત ફરિયાદ કરવાનું ટાળી દીધું હોવાનું જાણવા મળ્યું છે.

ત્યારે પોલીસની દાદાગીરીનો આ સીસીટીવી વાયરલ થતાં જ રાજકોટ શહેરમાં ભારે રોષ ફેલાયો છે. લોકોનો સવાલ છે કે, જે પોલીસ જનતાની સુરક્ષા માટે હોય છે તે જો પોતે દાદાગીરી કરે તો સામાન્ય નાગરિક કોની પાસે ન્યાય માંગવા જાય?

હવે મોટો પ્રશ્ન એ છે કે, આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ આરોપી પોલીસ કર્મીઓ સામે કડક કાર્યવાહી કરશે કે ફરી એકવાર આ મામલો દબાવી દેવામાં આવશે? આ અંગે રાજકોટ પોલીસ કમિશનર તથા ઉચ્ચ અધિકારીઓનો કોઈ જવાબ મળ્યો નથી, પરંતુ જનતા હવે આ મામલે તપાસ અને કડક સજાની માંગ કરી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.