વડોદરામાં એક અઠવાડિયામાં શ્વાન કરડવાના ૫૫ કેસ નોંધાયા
વડોદરા, વડોદરામાં રખડતાં શ્વાનોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. પાછલા ત્રણ દિવસમાં વડોદરા શહેર અને જિલ્લામાં શ્વાન કરડવાના ૫૫ જેટલા કેસ નોંધાયા છે.
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે દેશમાં શ્વાનના કારણે મનુષ્યોને થતાં નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી તાત્કાલિક ધોરણે અંકુશ લાવવા રાજ્ય સરકારોને આદેશ કર્યા છે. પરંતુ તેમ છતાં શ્વાન કરડવાના બનાવો રોકવામાં વહીવટી તંત્ર ઊણુ ઉતર્યું છે. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં નોંધાયેલા આંકડા એ દર્શાવે છે કે લોકો શ્વાનના હુમલાનો ભોગ બની રહ્યા છે.
વડોદરા શહેરમાં હાલ દૈનિક સરેરાશ ૨૩ લોકોને રખડતાં શ્વાન કરડવાનાં બનાવો બની રહ્યાં છે. ત્યારે મહાનગર પાલિકાના અધિકારીઓનો દાવો છે કે અમારા ચોપડે આટલા બધા કેસો નોંધાયા નથી. ઘણીવાર રસીના એક કરતા વધુ ડોજ લેવાના કારણે કેસની સંખ્યા વધુ લાગે છે.
પરંતુ પાલિકા શ્વાનનો ત્રાસ દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ છે. આગામી બે મહિનામાં શહેરમાં રખડતા ૪૦ હજાર શ્વાનનું રસીકરણ કરાશે.SS1MS
