Western Times News

Gujarati News

કવાંટ અને છોટાઉદેપુર જિલ્લાને જોડતો બ્રિજ ખરાબ હાલતમાં

છોટાઉદેપુર, તાજેતરમાં વડોદરા-આણંદને જોડતા ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, તેમ છતા પણ છોટાઉદેપુર જિલ્લાનું માર્ગ અને મકાન (ઇશ્મ્) વિભાગ સદંતર બેદરકારીની ઊંઘમાં છે.

કવાંટ અને છોટાઉદેપુર જિલ્લાને જોડતો અત્યંત વ્યસ્ત રાષ્ટ્રીય ધોરીમાર્ગ (દ્ગૐ-૫૬) પરનો એક મહત્ત્વપૂર્ણ બ્રિજ હાલમાં ટાઈમ બામ્બ જેવી સ્થિતિમાં છે, જે ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે છે.

કવાંટ નજીકથી પસાર થતી કરા નદી ઉપરનો આ જૂનો અને જર્જરિત બ્રિજ જોખમી જાહેર થવાને આરે છે. પુલ ઉપરના માર્ગ પર ઠેર-ઠેર મસ મોટા ખાડા, ઊંડી તિરાડો અને ભૂવા પડી ગયા છે, જેની ગંભીરતા એ હદે છે કે અનેક ગાબડામાંથી નીચે વહેતી નદી સ્પષ્ટપણે દેખાય છે. માત્ર માર્ગ જ નહીં, પણ સુરક્ષા વ્યવસ્થા પણ કથળી ગઈ છે.

પુલની પેરાફીટ (પારદીવાલ) અનેક જગ્યાએ તૂટીને ખુલ્લી પડી છે, જેને કારણે રાહદારીઓ અને વાહનચાલકો માટે જીવનું જોખમ ઊભું થયું છે. રસપ્રદ વાત એ છે કે, તંત્રએ આ ગંભીર જોખમ નિવારવા માટે તૂટેલી પેરાફીટની જગ્યાએ માત્ર વાંસની રેલિંગ લગાવીને સંતોષ માન્યો છે. જ્યાં વાંસ નથી, ત્યાં ખુલ્લી તૂટેલી પેરાફીટ જોખમી બની છે.

સ્થિતિની ગંભીરતા ત્યારે બે ગણી વધી જાય છે જ્યારે છોટાઉદેપુરથી બોડેલી તરફ જતા નેશનલ હાઈવે નંબર ૫૬ ઉપરનો ભારજ નદી પરનો બ્રિજ છેલ્લા બે વર્ષથી તૂટેલો હોવાથી, તમામ ભારે વાહનો હવે કવાંટના આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે. આ જર્જરિત પુલ ઉપર અસામાન્ય ભાર વધવાથી તેના ધરાશાયી થવાની શક્્યતા અનેકગણી વધી ગઈ છે.

રાજ્યમાં ગંભીર પુલ દુર્ઘટનાઓ સર્જાઈ હોવા છતાં, છોટાઉદેપુર જિલ્લાનું ઇશ્મ્ વિભાગ કોઈ પણ પ્રકારની ચેતવણી લેવા તૈયાર નથી. જાગૃત નાગરિકો દ્વારા આ પુલનો વિડિઓ વાયરલ કરીને તંત્રની આંખ ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.

શું ઇશ્મ્ વિભાગ કોઈ મોટી દુર્ઘટના ઘટે તેની રાહ જોઈ રહ્યું છે? શું હજારો લોકોના જીવ જોખમમાં મૂકનારા આ અધિકારીઓ સામે સરકાર કોઈ કડક પગલાં લેશે? સરકાર તાત્કાલિક ધોરણે આ પુલનું સમારકામ કરાવે અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરે તે જરૂરી છે, નહીંતો કવાંટનો આ બ્રિજ ટૂંક સમયમાં જ ગંભીરા-૨ બની જાય તો તવાઈ નહીં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.