છોટાઉદેપુરમાં સગર્ભાને કાચા રસ્તે ઝોળીમાં ડિલિવરી
છોટાઉદેપુર, ગુજરાતમાં ભલે વિકાસના મોટા દાવા થતા હોય, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આજે પણ પ્રસુતા મહિલાઓ બાળકને જન્મ આપવા માટે જીવના જોખમે સંઘર્ષ કરવા મજબૂર છે.
તંત્રની બેદરકારી અને ચૂંટાયેલા નેતાઓની નિÂષ્ક્રયતાના કારણે ઘુમના ગામની એક સગર્ભા મહિલાને કાચા રસ્તે ઝોળીમાં લઈ જવાઈ રહી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચે તે રહેલા રસ્તામાં જ બાળકને જન્મ આપવો પડ્યો હતો.
નસવાડી તાલુકાના ડુબાણમાં ગયેલા ઘુમના ગામમાં રહેતી સગર્ભાની પીડા ઉપડતાં પરિવારજનોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. પરંતુ ગામ તરફનો ખેંદા સુધીનો રસ્તો કાચો અને બિસ્માર હોવાથી ૧૦૮ એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકી નહોતી. ૧૦૮ ને છ કિલોમીટરનું લાંબુ અંતર ફરીને સાંકડીબારી ગામે ઊભા રહેવું પડ્યું હતું.
સમયનો બગાડ કર્યા વિના, પરિવારજનો સગર્ભાને ખાટલાની ઝોળી બનાવીને ખુદ ઊંચકીને કાચા રસ્તે દોડ્યા હતા, જેથી તેને છોટીઉંમર ગામે ઊભી રહેલી ખાનગી જીપ દ્વારા સાંકડીબારી પહોંચાડી શકાય.
કમનસીબી જુઓ, પ્રસુતા માતા ૧૦૮ સુધી પહોંચે તે પહેલાં જ, રસ્તામાં ખુલ્લામાં જ તેમની ડિલિવરી થઈ ગઈ હતી. જોકે, માતા અને બાળકને તાત્કાલિક સારવારની જરૂર હોવાથી, પરિવારે ત્યાંથી પણ ૩ કિલોમીટર દૂર ખાનગી વાહનનો સહારો લેવો પડ્યો હતો અને તેમને રૂ. ૨૦૦૦નું ભાડું આપીને અંતે સાંકડીબારી ગામે ઊભી રહેલી ૧૦૮ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
અંતે, ૧૦૮માં માતા અને બાળકને દુગ્ધા પીએચસી (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં બંનેની હાલત સ્થિર છે.
આ વિસ્તારમાં આવી ઘટનાઓ અવારનવાર બનતી હોવા છતાં તંત્ર ધ્યાન આપતું નથી, જેના કારણે સ્થાનિક લોકોમાં રોષ ઉઠ્યો છે. ગ્રામજનોએ અનેક વખત રજૂઆતો કરીને રસ્તો મંજૂર કરાવી દીધો છે, પરંતુ ચૂંટાયેલા નેતાઓ આ રસ્તાનું ખાતમુહૂર્ત કરવા માટે સમય ફાળવતા નથી.
સ્થાનિકો સીધો સવાલ કરી રહ્યા છે કે, જો આ રસ્તો બની ગયો હોત, તો માતાને આટલી હાલાકી ન પડી હોત. શું કોઈ માતા અથવા બાળકના જીવ ગયા પછી જ તંત્ર અને ચૂંટાયેલા નેતાઓ ધ્યાન આપશે? આ ઘટના વિકાસના બણગાં ફૂંકતા તંત્ર માટે એક જોરદાર તમાચો છે, અને તાત્કાલિક રસ્તાનું કામ શરૂ થાય તે સમયની માંગ છે.SS1MS
