Western Times News

Gujarati News

મણિનગરના BLOની તબિયત અચાનક બગડતા હોસ્પિટલમાં દાખલ કરાયા

પ્રતિકાત્મક

ઇકબાલ શેખ દ્વારા કલેક્ટરને સત્તાવાર રજૂઆત કરવામાં આવી હતી કે વધતા કામના ભારણને કારણે હાલમાં સમગ્ર ગુજરાતમાં 20 થી 26 જેટલા BLOઓને હાર્ટ એટેક આવ્યા છે અને કેટલાકે માનસિક દબાણને કારણે આત્મહત્યા જેવા પગલા ભર્યા છે.

(પ્રતિનિધિ) અમદાવાદ,  ગોમતીપુર વિસ્તારની ઉર્દૂ શાળા ક્રમાંક 1 અને 2 (સિમેન્ટની ચાલ) માં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી શ્રીમતી સાઇમા બાનુ મલિક મણિનગર વિધાનસભા ક્ષેત્રના રજબ શેઠની ચાલ – મિલ લતનગર, ભાગ નંબર 76ના બીએલઓ તરીકે ચૂંટણી કામગીરીની જવાબદારી સંભાળી રહયા છે.

ચુંટણી વિભાગ દ્વારા વધારાના ભારણી કાર્ય, રોજ શાળામાં ભણાવવાની ફરજ, સવારથી સાંજ સુધી વિસ્તારમાં રાઉન્ડ લેવાનો દબાણ અને રાત્રિના મોડા સુધી ફોર્મ ચકાસણી તથા અપલોડ કરવાની ફરજને કારણે તેઓ લાંબા સમયથી શારીરિક અને માનસિક તણાવનો સામનો કરી રહ્યા હતા. આજે અચાનક તેમને હાથમાં ભારે દુખાવો શરૂ થયો, બ્લડ પ્રેશર ખૂબ લો થતા તબિયત બગડતા 108 મારફતે શારદાબેન હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર માટે લઈ જવાયા.

આ બાબતે માહિતી મળતાં જ ગોમતીપુરનાં કોર્પોરેટર ઇકબાલ શેખ ને આ બાબતે માહિતી મળતાં જ તેઓ શારદાબેન હોસ્પિટલ ખાતે તાત્કાલિક પહોંચી જવાબદાર ડોક્ટર સાથે સંકલન કરી યોગ્ય સારવાર સુનિશ્ચિત કરી હતી.

ઉપરાંત, ઇકબાલ શેખ દ્વારા કલેક્ટરને સત્તાવાર રજૂઆત કરવામાં આવી હતી કે વધતા કામના ભારણને કારણે હાલમાં સમગ્ર ગુજરાતમાં 20 થી 26 જેટલા BLOઓને હાર્ટ એટેક આવ્યા છે અને કેટલાકે માનસિક દબાણને કારણે આત્મહત્યા જેવા પગલા ભર્યા છે.

તેથી કલેક્ટરે તમામ મામલતદારોને આદેશ આપે કે બીએલઓઓ પર અતિરિક્ત દબાણ ન કરવામાં આવે અને માનવતા દષ્ટિએ કામગીરીમાં તેમને સંપૂર્ણ સહકાર આપવામાં આવે. દરેક ફોર્મમાં BLOનો મોબાઇલ નંબર નોંધાતાં એક BLO સાથે જોડાયેલા 1200 થી 2000 જેટલા મતદારો સમય જોયા વગર વારંવાર ફોન કરતા હોય છે.

કલેક્ટરના સ્ટાફ તથા સિનિયર અધિકારીઓ દ્વારા પણ લેટ-નાઇટ સુધી ફોન કરીને તરત ફોર્મ અપલોડ કરવાની માગણી કરવામાં આવે છે, જેના કારણે BLOઓ પર અત્યંત માનસિક બોજ ઊભો થાય છે.

કોર્પોરેટર ઇકબાલ શેખ અને કોર્પોરેટર જુલ્ફી ખાનએ કલેક્ટરને રજૂઆત કરતા વધુમાં જણાવ્યું હતું કે તમામ BLOઓની માનવતા દૃષ્ટિએ કામગીરીની વ્યવસ્થા સુધારવામાં આવે,કાર્યનું અતિરિક્ત ભારણ તરત ઘટાડવામાં આવે, ફોર્મ અપલોડ પ્રક્રિયા સુગમ બનાવવા ટેક્નિકલ સપોર્ટ વધારવામાં આવે તેમજ BLOઓની સુરક્ષા, આરોગ્ય અને માનસિક સ્થિતિને પ્રાથમિકતા આપવામાં આવે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.