ઈસનપુરમાં ડીમોલેશન: એક હજાર જેટલા દબાણ દુર કરાયા
આ વિસ્તારમાં મોટાભાગની જમીન સરકારશ્રી છે જેમાં અંદાજે ૩૦૦ કરતા પણ વધારે કોમર્શિયલ એકમો બની ગયા છે જેને દુર કરવા માટે ૧૦ વર્ષ અગાઉ મામલતદાર દ્વારા નોટીસ આપવામાં આવી હતી
તળાવના વિકાસ માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઈસનપુર વોર્ડના તળાવ ડેવલપમેન્ટ માટે તેની ફરતે આવેલા અંદાજે ૧૦૦૦ જેટલા દબાણ તોડી પાડવામાં આવ્યા છે. મ્યુનિ. એસ્ટેટ વિભાગ આ અગાઉ પણ દબાણો દુર કરવાની કાર્યવાહી થઈ હતી તે સમયે કેટલાક મિલકત ધારકોએ કોર્ટનો સહારો લીધો હતો પરંતુ વોટર બોડી હોવાથી કોર્ટે પણ દબાણ દુર કરવા આદેશ આપ્યો હતો જેના પગલે અહીં ૪૦ કરતા પણ વધુ વર્ષથી વસવાટ કરતા લોકોની મિલકતો તોડવામાં આવી છે.
શહેરના ઈસનપુર તળાવના વિકાસ માટે લગભગ બે દાયકાથી વાતો ચાલ્યા કરે છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની પુનઃ સત્તા સંભાળ્યા બાદ ર૦૦પમાં ભારતીય જનતા પાર્ટીએ આ તળાવના વિકાસ માટે જાહેરાત કરી હતી તથા તે અંગે દબાણનો સર્વે કરી અને નોટીસો પણ આપવામાં આવી હતી પરંતુ કેટલાક સ્થાનિક પરીબળોએ આ મામલે દરમિયાનગીરી કરી ડિમોલેશનની કાર્યવાહી ન થાય તેવા પ્રયાસ કર્યા હતાં જેમાં તેઓ સફળ પણ થયા હતાં.

ર૦૧૬-૧૭માં ફરી એક વખત તંત્રએ કન્સલ્ટન્ટની નિમણુંક કરી હતી તથા તળાવની ડીઝાઈન તૈયાર કરવા કહ્યું હતું પરંતુ દબાણો એટલી હદે વધી ગયા હતાં કે કન્સલ્ટન્ટ તળાવ સુધી પણ જઈ શકયા ન હતાં અને આ મતલબનો રીપોર્ટ પણ તેમણે જે તે સમયે સબમીટ કર્યો હતો.
લગભગ દોઢ વર્ષ અગાઉ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ફરી એક વખત તળાવના વિકાસ માટે દબાણ દુર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ કેટલાક લોકો કોર્ટમાંથી મનાઈ હુકમ લઈ આવતા કાર્યવાહી અટકી હતી. પરંતુ કોર્ટના આદેશ બાદ સોમવારે ૯૭૬ મિલકતો તોડવામાં આવી છે.

અત્રે નોંધનીય બાબત એ છે કે સ્થાનિક નેતાઓની રહેમનજરે જ આ તળાવો ફરતે દબાણો થયા હતાં આ વિસ્તારમાં મોટાભાગની જમીન સરકારશ્રીની છે જેમાં અંદાજે ૩૦૦ કરતા પણ વધારે કોમર્શિયલ એકમો બની ગયા છે જેને દુર કરવા માટે ૧૦ વર્ષ અગાઉ મામલતદાર દ્વારા નોટીસ આપવામાં આવી હતી પરંતુ ત્યારબાદ આ મામલે કુલડીમાં ગોળ ભંગાઈ ગયો હતો અને આખી ફાઈલ જ અભેરાઈએ મુકી દેવામાં આવી હતી જે હજી સુધી અભેરાઈ પર જ રહી છે.
જે લોકોએ સ્થાનિક નેતાઓના કહેવા મુજબ “વહીવટ” કર્યાં તેમની મિલકતને લેશમાત્ર પણ નુકસાન થયું નથી. જયારે ૪૦ કરતા પણ વર્ષથી વસવાટ કરનાર લોકોની મિલકતો તોડી પાડવામાં આવી છે જેમને હજી સુધી વૈકÂલ્પક વ્યવસ્થા પણ મળી નથી તેવા આક્ષેપ પણ થઈ રહયા છે.
દરમિયાન મ્યુનિ. કોર્પોરેશનના સુત્રોએ જણાવ્યા મુજબ આ ડીમોલીશનના કારણે તળાવનો ૯૦ હજાર ચો.મી. જેટલી વિસ્તાર ખુલ્લો થયો છે. હવે અહીં ડેવલપમેન્ટ કરી સ્ટ્રોમ લાઈન મારફતે વરસાદી પાણી ભરવામાં આવશે.
