એક સન્માનિત ડૉક્ટર બનતા પહેલાં માનવતા હોવી જરૂરી છે: ૭ વિદ્યાર્થીઓ સસ્પેન્ડઃ શિક્ષણ મંત્રી
ગાંધીનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસ -૭ વિદ્યાર્થીઓ ૨ વર્ષ અને અન્ય ૬ માસ માટે સસ્પેન્ડ
(એજન્સી) ગાંધીનગર, ગાંધીનગરની એક મેડિકલ કોલેજમાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગની ગંભીર ઘટના સામે આવતા રાજ્યના તબીબી શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટનામાં સામેલ થર્ડ યરના ૭ વિદ્યાર્થીઓને ૨ વર્ષ માટે અને સેકન્ડ યરના અન્ય વિદ્યાર્થીઓને ૬ મહિના માટે કોલેજમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
હોસ્ટેલ ડીનને રેગિંગની ફરિયાદ મળતા કોલેજ તંત્ર સક્રિય થયું હતું. તાત્કાલિક ધોરણે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા, જેમાં ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓ અને બીજા વર્ષના અન્ય વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષના વિદ્યાર્થીને હેરાન કરીને માનસિક ત્રાસ આપતા હોવાનું સ્પષ્ટ થયું હતું.
આ ગંભીર અનૈતિક અને અસામાજિક વર્તનને ધ્યાનમાં રાખીને તમામ કસૂરવાર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાનો કડક નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું.ત્આ ગંભીર વર્તનને ધ્યાનમાં રાખીને, થર્ડ યરના ૭ વિદ્યાર્થીઓને ૨ વર્ષ માટે અને બાકીના વિદ્યાર્થીઓને ૬ મહિના માટે સસ્પેન્ડ કરીને તેમને તેમનું વર્તન સુધારવાની કડક તાકીદ કરવામાં આવી છે.
તબીબી શિક્ષણ મંત્રીએ આ ઘટનાને વખોડી કાઢીને અન્ય મેડિકલ કોલેજોને પણ ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીઓ માતા-પિતાના સ્વપ્નને સાકાર કરવા અભ્યાસ કરવા આવે છે અને કોઈને પણ ત્રાસ આપવો કે દુઃખ પહોંચાડવું યોગ્ય નથી. એક સન્માનિત ડૉક્ટર બનતા પહેલાં માનવતા હોવી જરૂરી છે.
તેમણે સ્પષ્ટ કર્યું કે, રાજ્ય સરકારને અન્ય કોલેજોમાં પણ રેગિંગની નાની પણ ફરિયાદ મળશે, તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે, જે વિદ્યાર્થીઓની કારકિર્દી પર ગંભીર અસર કરી શકે છે. વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા પર ભાર મૂકતા મંત્રીએ ઉમેર્યું કે, રેગિંગને કારણે વિદ્યાર્થીઓ ઘણીવાર આત્મહત્યા જેવા પગલાં ભરે છે, તેથી તમામ વિદ્યાર્થીઓએ ખૂબ કાળજી રાખવી.
પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થતાં, તેમણે હોસ્ટેલમાં રહેવાનું અને કોલેજમાં નવો અભ્યાસક્રમ શરૂ કરી દીધો હતો. આ દરમિયાન, બોયઝ હોસ્ટેલમાં સેકન્ડ અને થર્ડ યરના કેટલાક સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા બિનસત્તાવાર રીતે ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓને ‘ઇન્ટ્રોડક્શન’ (પરિચય) માટે બોલાવવામાં આવ્યા હતા. આ પરિચય દરમિયાન સિનિયર વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની હસીમજાક કરતા હતા અને તેમને અપમાનિત પણ કરતા હતા.
આ માનસિક ત્રાસ અંગે ફર્સ્ટ યરના કેટલાક સ્મ્મ્જી વિદ્યાર્થીઓએ તાત્કાલિક મેડિકલ કોલેજના સત્તાધીશોને લેખિતમાં ફરિયાદ કરી હતી. આ તપાસમાં સેકન્ડ અને થર્ડ યરના કુલ ૧૪ જેટલા વિદ્યાર્થીઓ આ કૃત્યમાં સામેલ હોવાનું બહાર આવ્યું હતું. તેમના વાલીઓને બોલાવીને, તમામ ૧૪ વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ પર ઓછી અસર થાય તે રીતે ૬ મહિનાથી લઈને ૨ વર્ષ સુધી કોલેજમાંથી રસ્ટિગેટ (સસ્પેન્ડ) કરવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે.
