ઇથોપિયામાં જ્વાળામુખી ફાટતા ભારત સુધી પહોંચ્યો ખતરો
નવી દિલ્હી, ઇથોપિયામાં સેંકડો વર્ષાેથી શાંત પડેલો ‘હેલી ગુબ્બી’ જ્વાળામુખી રવિવારે અચાનક સક્રિય થતા વૈશ્વિક હવાઈ વ્યવહાર પર સંકટના વાદળો ઘેરાયા છે. જ્વાળામુખીમાંથી નીકળેલી રાખ અને ધુમાડાની અસર હવે ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર પર પણ વર્તાવા લાગી છે.
આ રાખના કારણે કન્નુરથી અબુ ધાબી જઈ રહેલી ઈન્ડિગોની એક ફ્લાઈટને અધવચ્ચેથી ડાયવર્ટ કરીને અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવી પડી હતી. હવામાન નિષ્ણાતોના મતે, જ્વાળામુખીની રાખ ગુજરાત થઈને દિલ્હી-દ્ગઝ્રઇ અને પંજાબ સુધી પહોંચી શકે છે, જેના કારણે આગામી કલાકોમાં વધુ ફ્લાઈટ્સ પ્રભાવિત થવાની શક્યતા છે.
ઇથોપિયામાં થયેલા પ્રચંડ વિસ્ફોટને કારણે આકાશમાં રાખના ગોટેગોટા છવાયા છે, જે વિમાનના એન્જિન માટે અત્યંત જોખમી હોય છે. આ પરિસ્થિતિને કારણે ભારતથી ખાડી દેશો તરફ જતી ફ્લાઈટ્સ પર સીધી અસર પડી છે.
કન્નુરથી અબુ ધાબી જતી ઈન્ડિગોની ફ્લાઈટના રૂટમાં રાખના વાદળો આવતા તેને તાત્કાલિક ડાયવર્ટ કરવામાં આવી હતી અને બાદમાં અમદાવાદ એરપોર્ટ પર તેનું સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
અહેવાલો મુજબ, સુરક્ષાના કારણોસર અન્ય ઘણી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પણ રદ કરવી પડી છે.હવામાનના મોડલ મુજબ, ઇથોપિયાથી ઉડેલી આ ગાઢ રાખ સોમવારે રાત સુધીમાં ઉત્તર-પશ્ચિમ ભારતના વાતાવરણમાં પ્રવેશે તેવી શક્યતા છે.
પવનની દિશા મુજબ, આ પ્રદૂષિત વાદળો સૌથી પહેલા ગુજરાતમાં પ્રવેશ કરશે અને ત્યારબાદ રાજસ્થાન, દિલ્હી-દ્ગઝ્રઇ અને પંજાબ તરફ આગળ વધશે.
જમીનથી આશરે ૧૦ થી ૧૫ કિલોમીટરની ઊંચાઈએ સલ્ફર ડાયોક્સાઇડ અને બારીક પથ્થરોની રજકણો વાળા વાદળો ફરી રહ્યા છે, જે એવિએશન ટર્બાઇન માટે મોટો ખતરો છે.
રવિવારે સવારે ઇથોપિયાના અફાર પ્રદેશમાં આ જ્વાળામુખી ફાટ્યો હતો. ઇતિહાસમાં ક્યારેય સક્રિય ન હોવાનો રેકોર્ડ ધરાવતો આ જ્વાળામુખી અચાનક જાગી ઉઠતા સ્થાનિકો અને વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા છે.
નજીકનું આફડેરા ગામ સંપૂર્ણપણે રાખના થર નીચે દટાઈ ગયું છે. જોકે, સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ સ્થાનિક પશુપાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે.SS1MS
