Western Times News

Gujarati News

ઈડીએ બે ગેમિંગ કંપનીઓની રૂ.૫૨૩ કરોડની સંપત્તિ ફ્રીઝ કરી

નવી દિલ્હી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ વિન્ઝો અને ગેમ્સકાર્ટ જેવી ઓનલાઇન ગેમ (જુગાર) રમાડતી કંપનીઓની રૂ. ૫૨૩ કરોડની સંયુક્ત સંપત્તિની ફ્રીઝ કરી હોવાનું જણાવ્યું છે.

ભારત સરકારે તાજેતરમાં જ અસલ પૈસાથી રમાતા ઓનલાઇન જુગારને પ્રતિબંધિત જાહેર કર્યાે હતો ત્યારબાદ પણ આ કંપનીઓના એકાઉન્ટનો લોકોના અબજો રૂપિયા જમા હતા જે ખરેખર તેઓએ ખેલાડીઓને પરત કરી દેવા જોઇતા હતા, પરંતુ કંપનીઓને આ પૈસા લોકોને પરત કર્યા નહોતા.

ઇડીએ ૧૮ નવેમ્બરથી ૨૨ નવેમ્બર વચ્ચે નવી દિલ્હી, બેંગ્લોર અને ગુરૂગ્રામ સ્થિત આ કંપનીઓની પેરેન્ટ કંપનીઓ નિર્દેશા નેટવર્ક પ્રાઇવેટ લિમિટેડ, ગેમ્સકાર્ટ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ અને વિન્ઝો ગેમ્સ પ્રાઇવેટ લિમિટેડની ઓફિસો અને તેઓના પ્રમોટરોની ઓફિસો અને નિવાસસ્થાનો ઉપર દરોડા પાડ્યા હતા.

આ તમામ કંપનીઓ ખેલાડીઓને અસલ રૂપિયાથી ઓનલાઇન જુગાર રમાડતી હતી. ઇડીએ વિન્ઝો કંપની ઉપર ગુનાઇત પ્રવૃત્તિઓમાં સંડોવણી હોવાનો અને ગેરરીતિ આચરવાનો ગંભીર આરોપ મૂક્યો હતો, કેમ કે આ કંપનીઓ અસલ રૂપિયાથી લોકોને ઓનલાઇન જુગાર રમાડતી હતી, પરંતુ જુગાર રમનારા ખેલાડીઓને એવી જાણ જ નહોતી કે તેઓ કોઇ માણસો સાથે નહીં પરંતુ અલ્ગોરિધમ ધરાવતા એક સોફ્ટવેર સાથે જુગાર રમી રહ્યા છે.

ઇડી દ્વારા બહાર પાડવામાં આવેલાં નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે વિન્ઝો કંપની ભારતમાં બેઠી બેઠી તેના સમાન પ્લેટફોર્મ ઉપરથી બ્રાઝિલ અમેરિકા અને જર્મનીના લોકોને પણ અસલ રૂપિયાથી જુગાર રમાડતી હતી.

ભારત સરકારે ગત ૨૨ ઓગસ્ટ-૨૦૨૫ના રોજ અસલ નાણાં વડે ઓનલાઇન જુગાર રમવા કે રમાડવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો તેમ છતાં આ કંપનીએ ખેલાડીને નાણાં પરત કર્યા વિના પોતાના એકાઉન્ટમાં રૂ. ૪૩ કરોડની રકમ મૂકી રાખી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.