દિલ્હીમાં વાયુ પ્રદૂષણ વિરુદ્ધ દેખાવોમાં નક્સલી હિડમાનાં પોસ્ટરોથી વિવાદ
નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પર રવિવારે સાંજે વાયુ પ્રદૂષણની વિરુદ્ધમાં મોટી સંખ્યામાં લોકો પ્રદર્શન કરવા માટે એકત્ર થયા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ દેશના મોસ્ટ વોન્ટેડ નક્સલી કમાન્ડર માડવી હિડમા(૪૪)ના પોસ્ટર પ્રદર્શિત કર્યા હતા. પોસ્ટરોમાં હિડમાની સરખામણી આદિવાસી સ્વતંત્રતા સેનાની બિરસા મુંડાની સાથે કરવામાં આવી.
હિડમાને જળ, જંગલ અને જમીનનો સંરક્ષક પણ ગણાવવામાં આવ્યો.પ્રદર્શન કરનાર લોકોએ ‘માડવી હિડમા અમર રહો’ના નારા પણ લગાવ્યા હતા. તેમજ પ્રદર્શિત પોસ્ટરોમાં ‘માડવી હિડમાને લાલ સલામ’ જેવા સૂત્રો લખેલા હતા.
એક પ્રદર્શનકારીના પોસ્ટરમાં લખેલું હતુંઃ ‘‘બિરસા મુંડાથી લઈને માડવી હિડમા સુધી, અમારો જંગલો અને પર્યાવરણનો સંઘર્ષ ચાલું રહેશે.’’કેટલાક પ્રદર્શનકારીઓએ પોલીસ કર્મીઓ પર કાળા મરચાનો પાઉડર છાંટવાનો પ્રયાસ કર્યાે હતો.
નવી દિલ્હીના ડેપ્યુટી પોલીસ કમિશનર દેવેશ કુમાર મહલાએ જણાવ્યું કે પહેલી વખત વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોએ ટ્રાફિક અને કાયદો-વ્યવસ્થા સંભાળી રહેલા અધિકારીઓ પર મરચાંના સ્પ્રેનો ઉપયોગ કર્યાે. ઘાયલ થયેલા ૪ પોલીસ કર્મીઓને આરએમએલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.
દિલ્હી પોલીસના અધિકારીઓના કહેવા મુજબ સોમવારે બે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને હમણાં સુધી ૨૨ લોકોની ધરપકડ કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, નક્સલી માડવી હિડમા પર રૂપિયા એક કરોડનું ઈનામ હતું. સુરક્ષા દળોએ ૧૮મી નવેમ્બરે આંધ્રપ્રદેશના જંગલોમાં હિડમાને એન્કાઉન્ટરમાં ઠાર કર્યાે હતો. હિડમા અઢી દાયકાથી છત્તીસગઢના બસ્તરમાં સક્રિય હતો અને ૨૬ મોટા નક્સલી હુમલાઓનો માસ્ટર માઈન્ડ હતો.SS1MS
