Western Times News

Gujarati News

કલોલમાં હાઇવે ક્રોસ કરવાનો ફૂટ ઓવર બ્રિજ જોખમી

ગાંધીનગર, કલોલ શહેરમાંથી પસાર થતો હાઇવે ક્રોસ કરવાનો ફુટ ઓવર બ્રિજ જોખમી બની ગયો છે. પતરા ઉખડી જવાના કારણે પગમાં ગંભીર ઇજા થવાની રાહદારીઓમાં દહેશત પ્રવર્તે છે. તેમજ તૂટેલા પતરામાંથી નીચે ધસમસતા વાહનો દેખાતા હોવાથી નીચે પડી જવાની ચિંતામાં લોકો ફફડાટ અનુભવી રહ્યાં છે. તેમજ મોટા ઉપાડે બનાવાયેલુ એસ્કેલેટર શોભાના ગાંઠિયા સમાન જોવા મળે છે.

હાઇવે ઓથોરિટી સહિતની એજન્સી આ બાબતે જાણકારી ધરાવતી હોવા છતાં કોઇ સમારકામ હાથ ધરવામાં આવતુ નથી. તેના કારણે કલોલ શહેર સહિતના બ્રિજ ઉપરથી પસાર થતા કેટલાક લોકો એવી ચર્ચા કરી રહ્યાં છે કે સંપૂર્ણ ખાડે ગયેલુ તંત્ર કોઇ જીવલેણ અક્સમાતની પ્રતિક્ષા કરી રહ્યું છે કે શું..કોઇનો જીવ લેવાઇ ગયા પછી લાખોના ખર્ચે મરામત કરવામાં આવે તો શુ ભોગ બનેલા વ્યક્તિના પરિવારને થયેલુ નુક્સાન તંત્ર ભરપાઇ કરી આપશે. તેવા પેચિદા પ્રશ્નો લોકોમાં ચર્ચાએ ચઢ્યા છે.

વિગત એવી છે કે કલોલના અંબિકા બસ સ્ટેન્ડથી હાઇવેના સામા છેડે જવા-આવવા માટે વર્ષાે અગાઉ મોટા ઉપાડે ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. તેની ઉપર જવા માટે પગથિયા ચઢવા ના પડે એટલા માટે એસ્કેલેટરની સુવિધા પણ લાખોના ખર્ચે ઉભી કરવામાં આવી હતી.

પરંતુ ખાટલે મોટી ખોડ હોય તેમ આ એસ્કેલેટરની આજ સુધીમાં અનેક વખત બંધ હાલતમાં હોય છે, હાલના સમયે પણ એસ્કેલેટર બંધ હાલતમાં શોભાના ગાંઠિયા સમાન બની ગયુ છે.

છેલ્લા ઘણાં સમયથી ફુટઓવર બ્રિજના પતરા ખખડધજ હાલતમાં થઇ ગયા છે. ઘણી જગ્યાએ પતરાની કિનારીઓ તૂટી ગઈ છે. તેના કારણે નીચે સ્પષ્ટ રીતે હાઇવે દેખાઈ રહ્યો છે. જેને કારણે ત્યાંથી પસાર થતા લોકોમાં ગાબડુ પડવાથી નીચે પડી જવાની દહેશત પ્રવર્તે છે.

બ્રિજ પરથી પસાર થતી વખતે ધૂમ ધડાકા જેવા બિહામણા અવાજ પણ આવે છે. જેને કારણે રાહદારીઓ ગભરાઈ જતા હોય છે. આ ઉપરાંત અહીં ગંદકીના થર જામ્યા છે. તેની સફાઇ કરવાની જવાબદારી નીભાવવાની સ્થાનિક તંત્રને પડી નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.