રાજકોટમાં અંધશ્રદ્ધાના માંડવામાં છ જેટલાં પશુઓની બલિ ચડાવાઈ
રાજકોટ, રાજકોટમાં અંધશ્રદ્ધાનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગ્રીનલેન્ડ ચોકડી પાસે પીટીસી ગ્રાઉન્ડમાં ચૌહાણ પરિવાર દ્વારા પુત્રની બીમારી દૂર કરવા માટે માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પશુઓની બલિ ચડાવવામાં આવી રહી હતી. આ અંગે જીવદયા ફાઉન્ડેશનને જાણ થતાં તેમની ટીમે પોલીસને સાથે રાખીને દરોડો પાડ્યો હતો.
પોલીસ અને જીવદયાની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ આયોજકો દ્વારા છ પશુઓની બલિ ચડાવી દેવામાં આવી હતી. જોકે, દરોડા દરમિયાન અન્ય નવ પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા. પોલીસ આવતાં જ માંડવના આયોજકો અરવિંદ ચૌહાણ, રાહુલ ચૌહાણ અને પરબત ચૌહાણ સહિતના લોકો નાસી છૂટ્યા હતા.
પ્રાથમિક વિગતો અનુસાર, માંડવા માટે કુલ ૧૫ પશુઓ બલિ ચડાવવા માટે લાવવામાં આવ્યા હતા. પુત્ર સતત બીમાર રહેતો હોવાથી પરિવારે માતાજીના માનતાના ભાગરૂપે આ પશુબલિનું આયોજન કર્યું હતું.જીવદયા ફાઉન્ડેશનના કેતન સંઘવી અને ટીમે થોરાળા તેમજ આજીડેમ પોલીસને જાણ કર્યા બાદ સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસે બચાવેલા ૯ પશુઓને પાંજરાપોળને સોંપ્યા છે.
આ સમગ્ર ઘટનાથી પશુપ્રેમીઓમાં રોષ ફેલાયો છે અને જીવદયા ફાઉન્ડેશન દ્વારા થોરાળા પોલીસ મથકમાં આયોજકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.SS1MS
