રાજકોટમાં વોલીબોલ રમતા ધો.૧૨ના છાત્રનું બેભાન થઈ ગયા બાદ મોત
રાજકોટ, રાજકોટના ક્રિસ્ટલ મોલ પાછળ રહેતા એક કારખાનેદાર પરિવારના ૧૮ વર્ષના એકના એક પુત્રનું વોલીબોલ રમતી વખતે અચાનક બેભાન થઈ ગયા બાદ મોત થયું છે. તેને હાર્ટ એટેક આવ્યાનું અનુમાન લગાવાય છે.મળતી માહિતી મુજબ, એસએનકે સ્કૂલમાં ધોરણ-૧૨માં અભ્યાસ કરતો આદિત્ય અલ્કેશભાઈ વાછાણી-પટેલ રમતગમતમાં ખૂબ સક્રિય હતો.
યુવાન આદિત્ય વાછાણી (ઉંમર ૧૮) રવિવારે સાંજે તેના મિત્રો સાથે એસએનકે સ્કૂલના ગ્રાઉન્ડમાં વોલીબોલ રમવા ગયો હતો. આ દરમિયાન, તે અચાનક ઢળી પડ્યો અને બેભાન થઈ ગયો હતો. તેને તાત્કાલિક શાંતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.
મૃત્યુના સમાચાર મળતા જ આદિત્યના કુટુંબીજનો, શાળાના શિક્ષકો સહિતના લોકો હોસ્પિટલ પહોંચી ગયા હતા, જ્યાં ગમગીની છવાઈ ગઈ હતી. આદિત્ય તેના માતા-પિતા, આકાશભાઈ (અલ્કેશભાઈ) અને દેવકીબેન વાછાણીનો એકનો એક પુત્ર હતો.સગા-સંબંધીઓના જણાવ્યા અનુસાર, આદિત્ય ભણવામાં હોશિયાર હતો અને શારીરિક રીતે સ્વસ્થ હતો.
તેને કોઈ તકલીફ નહોતી અને સ્પોટ્ર્સમાં ખૂબ જ રસ હતો. આકસ્મિક મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. જોકે, પ્રાથમિક તારણ હૃદય રોગના હુમલાનું છે. એકના એક આશાસ્પદ પુત્રના નિધનથી પરિવાર ઊંડા આઘાતમાં સરી પડ્યો છે.SS1MS
