મોજશોખ અને પ્રેમિકાના ખર્ચ માટે યુવકે એનેસ્થેસિયા, મોર્ફિનથી બેની હત્યા કરી
વેરાવળ, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં એક મહિલાના શંકાસ્પદ મોતની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. હુડકો સોસાયટીની માનવ રેસિડેન્સી વિસ્તારમાં લગભગ ૧૨ દિવસ પહેલાં થયેલું ભાવનાબેન ચાંડેગરાનું મોત હવે હત્યામાં પરિણમ્યું છે.
પોલીસે આ કેસની ગૂંચ ઉકેલી સિરિયલ કિલરને ઝડપી પાડ્યો છે, જે મોજશોખ અને પ્રેમિકાના ખર્ચને પહોંચી વળવા માટે લૂંટના ઇરાદે બે નિર્દાેષ લોકોનો ભોગ લીધો હતો.એસ.પી. જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ૧૨ દિવસ પહેલા આરોપી શ્યામ ચૌહાણ ભાવનાબેનના ઘરે થેલેસેમિયાનો ટેસ્ટ કરાવવાના બહાને આવ્યો હતો.
બ્લડ સેમ્પલ લેવાના સમયે તેણે એનેસ્થેસિયાનું ઓવર ડોઝ ઇન્જેક્શન આપી દીધું હતું. બાદમાં, ભીના નેપકીનથી ડૂમો આપી હત્યા કરી અને સોનાની ચેઇન-બુટી લૂંટીને ફરાર થયો.પોલીસ તપાસ દરમિયાન મૃતકના નજીકમાં જ રહેતા પડોશી શ્યામ ચૌહાણ તરફ શંકા ગઈ. શ્યામ લૂંટાયેલા સોનાના દાગીના આઈઆઈએફએલમાં ગીરવે મુકવા પહોંચ્યો ત્યારે પોલીસને નિર્ણાયક કડી મળી.
ઊંડાણપૂર્વક પૂછપરછમાં તેણે બંને હત્યાનો ગુનો કબૂલ કર્યાે હતો.પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આ માત્ર એક હત્યા નહોતી. લગભગ ૪ મહિના પહેલાં શ્યામે પોતાના મિત્ર અભિષેકને પણ નિશાન બનાવ્યો હતો. તેણે અભિષેકને ઠંડા પીણામાં મોરફીનની ૧૦ ગોળીઓ પીવડાવી અને પછી ડૂમો આપી હત્યા કરી હતી.
આ હત્યા બાદ તેણે અભિષેક પાસેથી સોનાની વીંટી અને રોકડા રૂ. ૨૦ હજાર લૂંટ્યા હતા. પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું કે આરોપી શ્યામ ચૌહાણ મેડિકલ ક્ષેત્રે ત્રણ અલગ-અલગ હોસ્પિટલોના આઈસીયુ યુનિટમાં ફરજ બજાવી ચૂક્યો હતો. તેને રોગીઓને આપવામાં આવતા એનેસ્થેસિયા અને મોરફીન જેવી પ્રતિબંધિત દવાઓના ઉપયોગ અને તેના જીવલેણ ડોઝનું ઊંડું જ્ઞાન હતું. તે આઈસીયુમાં ફરજ દરમિયાન દર્દીઓને આપવામાં આવતા પ્રતિબંધિત ઇન્જેક્શન ગેરરીતિથી પોતાના પાસે રાખતો હતો અને તેનો ઉપયોગ હત્યામાં કર્યાે.
એસ પી.ના જણાવ્યા પ્રમાણે, શ્યામ ચૌહાણ મોજ-શોખમાં જીવતો યુવક હતો. પ્રેમિકાના ખર્ચને પહોંચી વળવા અને પૈસાની તંગીને દૂર કરવા માટે તેણે લૂંટનો રસ્તો અપનાવ્યો અને નિર્દાેષોના પ્રાણ લીધા હતી.SS1MS
