‘લાલો’ફિલ્મ હિન્દીમાં ડબ કરીને રિલીઝ કરવામાં આવશે
મુંબઈ, ગુજરાતી બ્લોકબસ્ટર સાબિત થયેલી ફિલ્મ ‘લાલો – કૃષ્ણ સદા સહાયતે’એ અત્યાર સુધીમાં લગભગ ૫૦ કરોડની કમાણી કરી લીધી છે અને હજુ પણ આ ફિલ્મ સફળતાપૂર્વક ઘણા થિએટરમાં ચાલી રહી છે. તેણે સૌથી વધુ કમાણી કરનારી કેટલીક ગુજરાતી ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે. લાલો હવે ૭૫ કરોડે પહોંચે તેવી શક્યતા છે.
ત્યારે હવે એવા અહેવાલો છે કે આ ફિલ્મ પણ ‘વશ’ની જેમ હવે હિન્દીમાં ડબ કરીને રિલીઝ કરવામાં આવશે. સુત્રો અનુસાર, “આ ફિલ્મને મળેલી ઐતિહાસિક સફળતાના કારણે સમગ્ર દેશમાં તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. તેથી નોનગુજરાતી લોકોમાં પણ આ ફિલ્મ જોવાની ઉત્સુકતા વધી છે. તેમાંથી પણ કેટલાંક લોકો આ ફિલ્મ સબટાઇટલ્સ સાથે ગુજરાતીમાં જોઈ ચુક્યા છે. તેથી તેમને હિન્દીમાં ડબ થયેલી ફિલ્મ જોવાનું મન થયું છે. તેથી આ ફિલ્મ હવે હિન્દીમાં ડબ થઈ રહી છે. તેનું કામ ચાલુ છે અને પૂરું થવાની તૈયારીમાં છે.
જો સમયસર સેન્સર બોર્ડ તરફથી હિન્દી ફિલ્મને સર્ટિફિકેટ મળી જાય તો મેકર્સ ૨૮ નવેમ્બર, શુક્રવારે રિલીઝ થઈ જશે. છતાં એક વખત સેન્સરની મંજુરી મળે પછી ફિલ્મની ટીમ આ અંગે મોટાપાયે જાહેરાત કરશે.”જો ‘લાલો-કૃષ્ણ સદા સહાયતે’ની બોક્સ ઓફિસ પર સફરની વાત કરવામાં આવે તો, ફિલ્મ રિલીઝ તો દિવાળી પહેલાં થઈ હતી અને ૧ અઠવાડિયામાં માત્ર ૩૬ લાખ જ કમાઈ હતી.
બીજા અઠવાડિયે તેનાથી પણ ઓછા ૨૮ લાખ મળી શક્યા હતા. પરંતુ ત્રીજા અઠવાડિયાથી કમાલ શરૂ થઈ અને ૭૦ લાખનો કૂદકો માર્યા પછી ચોથા અઠવાડિયે ૧૪ કરોડની કમાણી કરી અને પછી દર દિવસે તેની કમાણી વધતી રહી છે. છ અઠવાડિયા પછી આ ફિલ્મ ૭૧ કરોડે પહોંચી જશે એવી આશા છે.SS1MS
