રાજકીય પક્ષોએ સ્વીકારેલા રોકડ દાન મામલે સુપ્રીમની કેન્દ્ર, અન્યોને નોટિસ
નવી દિલ્હી, રાજકીય પક્ષોને રૂ. ૨,૦૦૦થી ઓછી રકમનું અનામી રોકડ દાન સ્વીકારવાની મંજૂરી આપતી આવકવેરા કાયદાની જોગવાઈની યોગ્યતાને પડકારતી અરજી અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર તથા અન્યો પાસેથી જવાબ માંગ્યો છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે આ મામલે પહેલા હાઈકોર્ટનો રૂખ શા માટે ના કરાયો તેવો પ્રશ્ન કર્યાે હતો અને અરજી પર ચાર સપ્તાહ બાદ સુનાવણી કરવા કહ્યું હતું.
સર્વાેચ્ચ અદાલતે સુનાવણીની ખાતરી સાથે મતદાન પેનલ, કેન્દ્ર તથા ભાજપ અને કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓને જવાબ રજૂ કરવા નોટિસ આપી હતી. સુપ્રીમમાં કરાયેલી અરજીમાં જણાવાયું છે કે, પારદર્શિતાનો અભાવ ચૂંટણી પ્રક્રિયાને નબળી પાડે છે કારણ કે તે મતદારોને રાજકીય ભંડોળનો સ્રોત, દાતાઓ અને તેમના હેતુઓ વિશેની મહત્વપૂર્ણ બાબતથી વંચિત રાખે છે.
પરિણામે તે મતદાન કરતી વખતે તેમને તર્કસંગત, બુદ્ધિશાળી અને સંપૂર્ણ માહિતી સાથેનો નિર્ણય લેતા અટકાવે છે.સર્વાેચ્ચ અદાલતે કેન્દ્ર, ચૂંટણી પંચ સહિત અન્યોને નોટિસ ઈશ્યૂ કરીને આ અરજી સંદર્ભે તેમનો જવાબ માંગ્યો છે. અરજીમાં ચૂંટણી પેનલને નિર્દેશ આપવાની માગ કરાઈ છે કે કોઈ રાજકીય પાર્ટીની નોંધણી તથા ચૂંટણી ચિહ્નની ફાળવણી વખતે રાજકીય પાર્ટી રોકડમાં દાન સ્વીકારી શકે નહીં તેવી શરત મૂકે.
અરજદાર ખેમ સિંહ ભાટી વતી વકીલ વિજય હંસારિયા જેઓ વકીલ સ્નેહા કલિતા સાથે હાજર રહ્યા હતા તેમને બેન્ચે સવાલ કર્યાે કે, પહેલા હાઈકોર્ટનો દરવાજો શા માટે ના ખટખટાવ્યો?. હંસારિયાના મતે આ અરજી તમામ રાજકીય પક્ષ અને તેમને દેશભરમાંથી મળતા ફંડિંગ અંગેની છે.
આ અરજીમાં આવકવેરા કાયદા ૧૯૬૧ની કલમ ૧૩ના ક્લોઝ (ડી)ને ગેરબંધારણીય ગણાવતા રદ કરવાની માંગ કરાઈ છે. સુપ્રીમ કોર્ટના ચૂંટણી બોન્ડ યોજના રદ કરવાના ૨૦૨૪ના ચુકાદાનો પણ ઉલ્લેખ કરાયો છે. અજદારે કોર્ટ પાસેથી નિર્દેશની માંગ કરી છે કે, રાજકીય પક્ષો તેમને દાન આપનાર કોઈપણ વ્યક્તિનું નામ સહિત અન્ય વિગતો પણ જાહેર કરે. રાજકીય ફંડિંગમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે કોઈપણ દાન રોકડમાં ના સ્વીકારે.
