Western Times News

Gujarati News

વાંકાનેર સિરામિક એસો. દ્વારા GST 18 ટકાથી ઘટાડી પાંચ ટકા કરવા માંગણી

પ્રતિકાત્મક

સાંસદોના અધ્યક્ષસ્થાને બેઠક મળી: દિલ્હી રજૂઆત કરવા ખાત્રી

વાંકાનેર, વાંકાનેર સીરામીક રીફેકટરી તેમજ ટ્રેડર્સ મિનરલ્સ ગ્રાઈન્ડીંગ યુનિટ વગેરેની બેઠક મળી હતી. જેમાં રાજયસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાનું સન્માન કરાયું હતું. સીરામીક ઉદ્યોગકારોએ વાંકાનેરની ભૌગોલિક પરિસ્થિતિ બાબતે રજૂઆત કરી હતી.

ઉપરાંત માજી સાંસદ અને માજી કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયા પણ આ બેઠકમાં હાજર હતા. રીફેકટરી યુનિટ ઉપર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ૧૮ ટકા જીએસટી લાદવામાં આવ્યો છે, તે પાંચ ટકા કરવા સીરામીક ઉદ્યોગકારોએ જોરદાર રજૂઆત કરી હતી.

રાજયસભાના સાંસદ કેસરીદેવસિંહજીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારમાં અગાઉ સીરામીક ઉદ્યોગકારો દ્વારા મળેલી રજૂઆતના અનુસંધાને કેન્દ્રના નાણામંત્રી નિર્મળા સીતારમનને તા.૪.૯.રપના રોજ લેખિત રજૂઆત કરી છે. આ ઉપરાંત સીરામીક ઉદ્યોગકારો સાથે રૂબરૂ રજૂઆત કરવા સાથે આવવા પણ હું તૈયાર છું.

આ બેઠકમાં કેલ્ટ્રીસ જનરલ મેનેજર મૃણાલ કાલે, ભારત સીરામીકના અબ્દુલભાઈ, જ્યોતિ સીરામીકના અજયસિંહ ઝાલા, પૂનમ સીરામીકના નારણભાઈ, ગેલેક્સી સીરામીકના ગ્યાસુદીનભાઈ, યજન સીરામીકના મહેશભાઈ પ્રજાપતિ, મહાલક્ષ્મી સીરામીકના રાકેશભાઈ, પટેલ સીરામીકના ગૌતમભાઈ પટેલ, અમર સીરામીકના મનુભાઈ ગુગડીયા, સંજય સીરામીકના સંજયભાઈ અંબાલીયા, જનતા સીરામીકના વસંતભાઈ વગેરે હાજર હતા. એસોસીએશનના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વજુભા ઝાલા, સેક્રેટરી દિનુભાઈ વ્યાસ વગેરેએ જહેમત ઉઠાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.