Western Times News

Gujarati News

ઉદ્યોગોને પ્રશાસનિક બોજ વેઠવો પડતો હોય પ્રોફેશનલ ટેકસને દૂર કરવો જરૂરી

નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સના ડિરેકટર સમક્ષ માંગ

સુરત, નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સના ડિરેકટર ડૉ.સુરેન્દ્રકુમાર બગડે સાથે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને ગુજરાતના અનેક અગ્રણી એસોસિએશનોની ઉપસ્થિતિમાં મળેલી ઓનલાઈન બેઠકમાં ચેમ્બરે ગુજરાતમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રભાવિત કરતા મુખ્ય મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવા સાથે પ્રોફેશનલ ટેકસ દૂર કરવાની માંગ કરી હતી. આ સાથે ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી હેઠળ સમયમર્યાદા વધારવા રજૂઆત કરાઈ હતી.

ચેમ્બરે પ્રોફેશનલ ટેકસ દૂર કરવાની માંગ કરી હતી કારણ કે, પ્રોફેશનલ ટેકસની રકમ ખૂબ જ ઓછી હોય છે છતાં તેનો દર મહિને કોમ્પ્લાયન્સ કરવો પડે છે. જેને લીધે એમએસએમઈએસ સહિતના ઉદ્યોગોને અનાવશ્યક પ્રશાસનિક બોજ વેઠવો પડે છે

જેથી ઉદ્યોગોના સમયનો બગાડ અને વ્યવહારિક બોજ હળવો કરવા પ્રોફેશનલ ટેકસને સંપૂર્ણપણે દૂર કરવા માંગ કરી હતી. વર્ષોથી વિવાદિત ચાલતા મુદ્દા હેઠળ, કુલ કન્ઝપ્શનમાંથી ઓછામાં ઓછું ૩૦ ટકા બેન્કિંગના કલોઝનું વિવિધ રીતને અર્થઘટન કરવામાં આવે છે જેના કારણે એમએસએમઈ સેકટરમાં રિન્યુએબલ એનર્જીમાં કરેલું રોકાણ અડચણમાં આવે છે જેથી ગુજરાત ગ્રીન એનર્જી-ઓપન એકસેસ રેગ્યુલેશન્સ હેઠળ ૩૦ ટકા બેન્કિંગ અંગે સ્પષ્ટતા કરવા રજૂઆત કરી હતી.

ઉપરાંત ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી હેઠળ સમયમર્યાદા વધારવાની જરૂરિયાત હોવાની રજૂઆત કરાઈ હતી. એક મેગા વોટથી ૧૦૦ મેગા વોટ સુધીની રિન્યુએબલ એનર્જી પ્રોજેકટ્‌સ માટે ટેકનિકલ ફિઝિબિલિટી રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ જરૂરી એપ્રૂવલ્સ માટે વધારાની સમયમર્યાદા મળવી જરૂરી હોય છે. અગાઉ સમયમર્યાદા ઓછી-વત્તી કરવાની સત્તા જીયુવીએનએલ પાસે હતી

પરંતુ હવે જીઈઆરસી પાસે હોવાથી ઘણા મહિનાઓ લાગી જાય છે જેને લીધે પ્રોજેકટ્‌સ અટકી જાય છે અને તેને કારણે ઉદ્યોગોને નાણાંકીય નુકસાન થઈ શકે છે જેથી પોલિસીમાં સુધારો કરી સમય મર્યાદા વધારવાની સત્તા ફરીથી એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ ડિપાર્ટમેન્ટ અથવા જીયુવીએનએલને આપવામાં આવે જેથી એમએસએમઈ તથા અન્ય ઉદ્યોગોના પ્રોજેકટ અમલીકરણ સરળતાથી થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.