કરોડોનો દારૂ ટ્રેન મારફતે ગુજરાતમાં લવાયો, બે કન્ટેનર પકડાયા
File
(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગરમાં ડીજીપીની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે શનિવાર અને રવિવારે મુંદરા પોર્ટ નજીક પ્રાગપર ચોકડી પાસે કુલ ૨.૯૭ કરોડનો દારૂ ભરેલા બે કન્ટેનર પકડી પાડ્યા હતા. દારૂના ગોરખધંધા માટે પાસાતળે જેલમાં રહેલા કચ્છના કેરા ગામના બુટલેગર અનોપસિંહ રાઠોડે પંજાબથી ટ્રેન મારફતે મુંદરા પોર્ટ ઉપર દારૂ મગાવવાનું નેટવર્ક ગોઠવ્યું છે.
જેલમાં હોવા છતાં બૂટલેગરનું નેટવર્ક ચાલતું હતું અને ટ્રેન માર્ગે ત્રણ જ મહિનામાં દારૂના ૧૧ કન્ટેનર પંજાબથી મુંદરા પોર્ટ માર્ગે ધુસાડી દેવાયાં છે. મુંદરા પોર્ટથી દેશમાં જ ચીજવસ્તુની હેરાફેરીના બહાને દારૂની હેરાફેરી કરવાનું નેટવર્ક સ્ટેટ મોનિટરિંગ સેલે ધ્વસ્ત કર્યું છે.
પોલીસ સત્તાધીશોનું કહેવું છે કે, દેશમાં જ ચીજવસ્તુ લઈ જવાતી હોવાથી ડોમેસ્ટિક કન્ટેનર્સની તપાસ કરવામાં આવતી નથી. મુંદરા પોલીસ મથકે અલગ અલગ બે ફરિયાદમાં છ લોકો સામે ગુનો નોંધાયો છે. કરોડો રૂપિયાનો દારૂ કચ્છમાં જ વેચાતો હતો કે સુરત લઈ જવાતો હતો તે અંગે સ્ટેટ સેલે તપાસ આરંભી છે.
મુન્દ્રા પોલીસ મથકે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ મુજબ, મુન્દ્રાના રાશાપીર સર્કલ પાસે ટ્રેલરના ડ્રાઇવર ૩૫ વર્ષીય જોગારામ જાટ અને ૨૩ વર્ષીય ભજનારામ બિસ્નોઇ કન્ટેનરમાં દારૂ ભરી મુન્દ્રા પોર્ટથી મુંદરા તરફ હેરાફેરી કરી રહ્યા છે.
બોરાણા સર્કલ પાસેથી ટ્રેલર સાથે બે આરોપીઓને ઝડપી લીધા હતા. પકડાયેલા ડ્રાઇવર જોગારામની પૂછપરછમાં તેણે કબૂલ્યું કે, આ ટ્રેલર તેની માલિકીનું હોવાનું અને પંજાબથી મુંદરા પોર્ટ ખાતે કન્ટેનરમાં દારૂ આવ્યો છે લેવા આવ્યો છે.
જયગુરૂદેવસિંહએ વોટ્સએપમાં ફોર્મ નંબર ૬ મોકલાવ્યું છે. જેના આધારે મુન્દ્રા પોર્ટ પરથી કન્ટેનર મેળવીને ટ્રેલરમાં ભરી પ્રાગપર ચોકડી પાસે આવેલ રંગલા પંજાબ હોટલ ખાતે ભજનારામ બિશ્નોઇને આપવાનો હતો. ભજનારામ કન્ટેનર ખાલી કરીને પરત આપતો હતો.
આ દારૂની હેરાફેરીમાં તેને રૂપિયા ૫૦ હજાર બાલાજી ટ્રેડીંગ કંપનીવાળા મોકલાતા હોવાનું કબૂલ્યું હતું. ડીજીપી સ્ક્વાડની ટીમે બંને આરોપીઓને મુન્દ્રા પોર્ટ ખાતે લઈ જઈ કસ્ટમ્સ અને પોર્ટ ઓથોરિટીની મંજૂરી સાથે તપાસ કરતાં ૧.૫૪ કરોડની કિંમતની વિદેશી દારૂની ૧૧,૭૩૧ બોટલો મળી હતી. આ તમામ બોટલોના બેચ નંબર હટાવી દેવાયા હતા. આ કન્ટેનરનું બિલ ઓઇલનું હતું પણ અંદર દારૂ ભરેલો હતો.
ગાંધીનગર પોલીસની ટીમે મુન્દ્રા પોલીસ મથકે એસએમસીએ મુન્દ્રા પોલીસમાં હાજર મળી આવેલા. રાજસ્થાનના ડ્રાવવર જોગારામ અને ભજનારામ તેમજ દારૂ મંગાવનાર કેરાનો કુખ્યાત બૂટલેગર અનોપસિંહ રાઠોડ, કાળુ, માલ મોકલનાર લુધીયાણા બાલાજી ટ્રેડીંગ કંપનીના સુખદેવસિંહ અને જયગુરૂદેવસિંહ તેમજ તપાસમાં નીકળે તે સહિતનાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.
નોંધનીય છે કે, આ દરમિયાન એસએમસીની બીજી ટીમ દ્વારા બાતમી પરથી મુન્દ્રા પોર્ટના રેલ્વે સ્ટેશન ખાતે આર.એન.ડી.યાર્ડમાંથી અન્ય એક કન્ટેનર પકડી પાડ્યું હતું. જેમાં પણ પંજાબના લુધિયાણાના બાલાજી ટ્રેડીંગ કંપનીના સુખદેવસિંહએ ખોટી બીલ્ટીથી કન્ટેનર મોકલાવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ ન્ટેનરમાંથી ૧.૪૨ કરોડની કિંમતની દારૂની ૧૨૬૦૦ બોટલો મળતા મુન્દ્રા પોલીસે સુખદેવસિંહ અને દારૂનો જથ્થો મંગાવનારા સામે ફરિયાદ નોંધાવી હતી.
એક મહિનાથી પાસાતળે જેલમાં હોવા છતાં દારૂનો નેટવર્ક ચલાવતા બૂટલેગર અનોપસિંહ વિરૂદ્ધ દારૂના અત્યાર સુધી ૨૩ ગુના નોંધાયેલા છે. બૂટલેગર અનોપસિંહે પંજાબથી ટ્રેન રસ્તે ત્રણ જ મહિનામાં દારૂ ભરેલા ૧૧ કન્ટેનર એટલે કે અંદાજે ૧૫ કરોડનો દારૂ મુન્દ્રા પોર્ટના લોકલ ટર્મિનલ ઉપર ઘુસાડીને બીજા રાજ્યમાં સામાનની નિકાસના બહાને ગુજરાતમાં જ દારૂનો ધુસાડ્યાનો ઘટસ્ફોટ થયો છે.
