ATM લૂંટવા જઈ રહેલા 5 શખ્સોને પોલીસે કોર્ડન કર્યા અને લૂંટનો પ્લાન નિષ્ફળ બનાવ્યો
AI Image
પુછપરછમાં અન્ય ગુનાઓ અને વધુ આરોપીઓની સંડોવણી ખુલવાની શક્યતા-ATM લૂંટનો પ્લાન પોલીસે નિષ્ફળ બનાવ્યો: 5 ઝડપાયા
જુગાર તેમજ ઓનલાઈન ગેમમાં રૃપિયા હારી જતા રૃપિયાની જરૃર હોવાથી બિહારના ત્રણ શખ્સો અને રાજકોટ ખાતે રહેતા બનેવી સાથે મળી ચોટીલા ખાતે આવેલ એટીએમ તોડી લુંટનો પ્લાન બનાવ્યો
સુરેન્દ્રનગર, ચોટીલા પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ચોટીલા-થાન રોડ પર નાવા ગામ પાસેથી બેંકના એટીએમમાંથી લાખો રૃપીયાની લુંટને અંજામ આપે તે પહેલા જ ગેંગના ૦૫ શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૃ.૨.૬૩ લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
ચોટીલામાં પોલીસના પેટ્રોલીંગ દરમિયાન ચોટીલા-થાન રોડ પર એક કાર શંકાસ્પદ હાલતમાં થાન તરફ નાસી જતા ચોટીલા પીઆઈ સહિતના સ્ટાફે અલગ અલગ વાહનોમાં કારનો પીછો કરી ચોટીલા-થાન રોડ પર આવેલ બાપા સીતારામ મંદિરની બાજુમાં વન વિસ્તારમાંથી કોર્ડન કરી કારમાં સવાર પાંચ શખ્સોને ઝડપી લીધા હતા.
પુરછપરછમાં આરોપીઓ ચોટીલા શહેરમાં આવેલા એસબીઆઈ બેંકનું એટીએમ તોડી તેમાં રહેલી રકમની લૂંટનો પ્લાન બનાવ્યો હોવાની કબૂલાત કરી હતી. ઝડપાયેલ શખ્સો અને કારની તલાશી લેતા તેમાંથી એટીએમ તોડવા માટે ઉપયોગમાં લેવાનાર સાધનો અને હથિયાર સહિતનો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો. જે પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે એટીએમ તોડવા માટેના તમામ સાધનોની ખરીદી રાજકોટથી કરી હોવાનું પણ તપાસ દરમિયાન માલૂમ પડયું હતું.
જ્યારે ઝડપાયેલ તમામ શખ્સોની પૂરછપરછ દરમિયાન અન્ય ગુનાઓ અને વધુ લોકોની સંડોવણી બહાર આવે તેવી પણ પોલીસ દ્વારા શક્્યતાઓ સેવાઈ રહી છે.
ઝડપાયેલા આરોપીઓ (૧) અજય ઉર્ફે અંકિત જેરામભાઈ ઉઘરેજા (ઉ.વ.૨૬, રહે. નવાગામ તા. ચોટીલા, મુખ્ય આરોપી) (૨) મેહુલ ઉર્ફે રોહિત રવજીભાઇ મકવાણા (ઉ.૨૪, રહે. રાજકોટ, મુખ્ય આરોપીના બનેવી) (૩) રવિશંકર રાજુભાઇ શાહ, (ઉ.૨૯, રહે.અમીયાવર, બિહાર) (૪) બિરુકુમાર ચંદારામ ચમાર (ઉ.૨૭, રહે.અમીયાવર, બિહાર) (૫) રોકીરાજ ઉર્ફે સુરેશસિંગ કુશવાહ (ઉ.૧૯, રહે.અમીયાવર, બિહાર)
દેશી તમંચો, ૦૨ જીવતા કારતૂસ, હથોડી, ત્રિકમ, આરી, કાતર, ૦૮ બોટલ બ્યુટેન ગેસ, કેમેરા પર લગાડવાનો સ્પ્રે, નોઝલ, ચપ્પા તેમજ ૦૬ મોબાઈલ કિંમત રૃ.૮૫૦૦, રોકડ રૃ.૩૫૦૦, કાર કિંમત રૃ.૨.૫ લાખ સહિત ફૂલ રૃ. ૨.૬૩ લાખનો મુદામાલ કબજે કર્યો હતો.
૦૫ શખ્સોની પૂરછપરછ કરતા ચોટીલાના નવાગામ ખાતે રહેતા મુખ્ય આરોપી અજય ઉર્ફે અંકિત જેરામભાઈ ઉઘરેજા જુગાર તેમજ ઓનલાઈન ગેમમાં રૃપિયા હારી જતા રૃપિયાની જરૃર હોવાથી બિહારના ત્રણ શખ્સો અને રાજકોટ ખાતે રહેતા બનેવી સાથે મળી ચોટીલા ખાતે આવેલ એટીએમ તોડી લુંટનો પ્લાન બનાવ્યો હોવાનું બહાર આવ્યું હતું.
જ્યારે ચોટીલા પોલીસે ઝડપી પાડેલ ૦૫ શખ્સો પૈકી મુખ્ય આરોપી અજય ઉર્ફે અંકિત જેરામભાઈ ઉઘરેજા સામે અગાઉ થોડા મહિના પહેલા થાન પોલીસ મથકમાં બનાવટી ચલણી નોટ આપી છેતરપિંડી આચર્યા અંગેનો ગુન્હો પણ નોંધાયો હોવાનું જણાઈ આવ્યુ હતું.
લૂંટ યોજનાના માસ્ટરમાઇન્ડ અજય અંદાજે દોઢ-બે મહિના પહેલા દિલ્હી ગયો હતો. જ્યાં બિરુકુમાર સાથે પ્રથમ મુલાકાત થઇ હતી. ત્યાર બાદ બિરુકુમાર રાજકોટ આવ્યો હતો પરંતુ પાછો વતન જતો રહ્યો હતો. થોડા દિવસ પહેલા અજયે એટીએમ લૂંટવાની વાત કરતા બિરુકુમાર બિહારના બીજા બે શખ્સ સાથે ટ્રેનમાં રાજકોટ આવ્યો હતો અને હોટલમાં રોકાયા હતા.
