વીજ કરંટ લાગતા મૃતદેહો એટલી હદે બળી ગયા કે ઓળખ કરવી મુશ્કેલ બની
અરવલ્લીના ધનસુરાના ભેસાવાડા પાસે ભયંકર અકસ્માત સર્જાયો-વીજ કરંટ લાગતા બે અજાણ્યા શખ્સો જીવતા ભૂંજાયા -મૃતક બંને શખ્સો ચોરીના ઈરાદે અહીં આવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે.
અરવલ્લી, અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. ભેસાવાડા ગામ નજીક આવેલા સાકરી પૂલ પાસે વીજ કરંટ લાગવાને કારણે બે અજાણ્યા શખ્સોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ ઘટનામાં વીજ કરંટ એટલો જોરદાર હતો કે બંને વ્યક્તિઓ જીવતા ભૂંજાયા હતા અને તેમના મૃતદેહો સંપૂર્ણ રીતે બળી ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ધનસુરા તાલુકાના ભેસાવાડા ગામની સીમમાં આવેલા સાકરી પૂલ નજીકથી પસાર થતા વીજપોલના જીવંત તારના સંપર્કમાં આવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. કરંટ લાગતાની સાથે જ બે અજાણ્યા ઈસમો આગની લપેટમાં આવી ગયા હતા અને જોતજોતામાં તેમના શરીર કોલસાની જેમ બળીને ભડથું થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. પ્રાથમિક તબક્કે અને લોકોમાં થતી ચર્ચા મુજબ, મૃતક બંને શખ્સો ચોરીના ઈરાદે અહીં આવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે, પોલીસ તપાસ બાદ જ સત્ય બહાર આવશે.
ઘટનાની જાણ થતાં જ ધનસુરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. મૃતદેહો એટલી હદે બળી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની છે. હાલમાં પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને મૃતકોની ઓળખ વિધિ શરૂ કરી છે.
