લગ્નથી પરત ફરતી વખતે જાનૈયાઓની ગાડી નહેરમાં ખાબકી
(એજન્સી)નવી દિલ્હી, ઉત્તર પ્રદેશમાં જાનૈયા સાથે અકસ્માતની ઘટના સામે આવી છે. બુધવારે સવારે લગ્નથી પરત ફરતી વખતે જાનૈયાઓની ગાડી નહેરમાં ખાબકી હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થઈ ચુક્યા છે. કાર ડ્રાઇવરની સ્થિતિ હાલ નાજુક જણાવવામાં આવી રહી છે.
અકસ્માતની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ગ્રામીણોની મદથી કારમાં સવાર લોકોને બહાર નીકળવામાં આવ્યા હતા. ડ્રાઇવરને એમ્બ્યુલન્સથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, લગ્નથી પરત ફરી રહેલા જાનૈયાઓની કાર ઢખેરવા-ગિરજાપુરી હાઇવે પર અનિયંત્રિત થઈ ગઈ અને શારદા નહેરમાં ખાબકી.
કાર પડવાનો અવાજ આવતા જ આજુબાજુના લોકો દોડીને આવ્યા અને પોલીસને આ વિશે સૂચના આપી. કારનો દરવાજો લાક હોવાના કારણે અંદર બેઠલા લોકો બહાર આવી શક્યા નહીં અને ન તો ગ્રામીણો કારનો દરવાજો ખોલી શક્યા. લોકો કંઇ કરી શકે તે પહેલાં જ કાર નહેરમાં ડૂબી ગઈ હતી.
પોલીસના પહોંચતા જ ટોર્ચના પ્રકાશમાં ગ્રામીણો સાથે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. હોડી દ્વારા પોલીસ કાર સુધી પહોંચી અને કારનો દરવાજો ખોલવામાં આવ્યો. જ્યારે કારમાં સવાર લોકોને બહાર કાઢવામાં આવ્યા તો છમાંથી પાંચ લોકોનું મોત થઈ ચુક્યું હતું.
ડ્રાઇવરના શ્વાસ ચાલતા જોઈ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. જોકે, હજુ તેની સ્થિતિ નાજુક જણાવવામાં આવી રહી છે. મૃતકોની ઓળખ બહરાઇચના સુજૌલીના ઘાઘરા બૈરાજ નિવાસી ૨૩ વર્ષીય જીતેન્દ્ર, ૨૫ વર્ષીય ઘનશ્યા, ૪૫ વર્ષીય લાલજી, ૫૦ વર્ષીય સુરેશના રૂપે કરવામાં આવી છે. જોકે, હજુ સુધી એક વ્યક્તિની ઓળખ થઈ શકી નથી. કાર બબલુ નામનો વ્યક્તિ ચલાવી રહ્યો હતો. હાલ કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી છે.
