Western Times News

Gujarati News

ઈસનપુરના 925 દબાણો દૂર કર્યા બાદ પોલીસ કમિશ્નરે ઘટના સ્થળે જઈને કરી સમીક્ષા

તળાવની જગ્યામાં ઊભી કરાયેલી ૧૬૭ કોમર્શિયલ દુકાનો પણ કોર્પોરેશને તોડી પાડી હતી-૯૨૫ જેટલા કાચા-પાકા બાંધકામો

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં બે દિવસ પૂર્વે દબાણ હટાવવાની જે કામગીરી હાથ ધરવામાં આવી હતી, તે સ્થળની આજે અમદાવાદ પોલીસ કમિશ્નર જી. એસ. મલિકે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સાથે અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મહત્ત્વનું છે કે, તાજેતરમાં જ ઈસનપુર તળાવ નજીક થયેલા ગેરકાયદે દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. પોલીસ કમિશ્નરે આ મુલાકાત ઉપરાંત, ચંડોળા તળાવની પણ મુલાકાત લીધી હતી. ચંડોળા તળાવના વિસ્તારમાં ચાલી રહેલી વિવિધ કામગીરી અને વિકાસ કાર્યોની તેમણે સમીક્ષા કરી હતી.

અમદાવાદના દક્ષિણ ઝોનમાં આવેલા અને શહેરના ત્રીજા નંબરના સૌથી મોટા તળાવ તરીકે ગણાતા ઈસનપુર તળાવના વોટરબોડીની જગ્યામાં થયેલા દબાણો પર મ્યુનિસિપલ કોર્પોરેશને સોમવારથી મેગા ડિમોલિશનની કામગીરી શરુ કરી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ૯૨૫ જેટલા કાચા-પાકા બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. ચોમાસા પહેલાં જ આ રહેણાક મકાનોને કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી.

ચાર અલગ-અલગ બ્લોકમાં કામગીરી કરીને આશરે ૯૫,૬૪૦ ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી હતી, જે પૈકી મોટાભાગની કામગીરી સોમવારે મોડી સાંજ સુધીમાં પૂરી કરી લેવાઈ હતી. અગાઉ, તળાવની જગ્યામાં ઊભી કરાયેલી ૧૬૭ કોમર્શિયલ દુકાનો પણ કોર્પોરેશને તોડી પાડી હતી.

આ ડિમોલિશનની કામગીરી શરુ થતાં પહેલાં જ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ એક સપ્તાહ પહેલાં કોર્પોરેશન અને કલેક્ટર હસ્તકના તમામ તળાવોના વોટરબોડીમાં થયેલા બાંધકામો દૂર કરવા અને તળાવોની સફાઈ કરવા માટે તાકીદ કરી હતી.

કોર્પોરેશન દ્વારા ઈસનપુર તળાવની જગ્યામાં કરાયેલા મેગા ડિમોલિશનને પગલે વર્ષોથી રહેતા લોકોની રજૂઆતોને ધ્યાનમાં લેવામાં આવી છે. માનવતાના ધોરણે આવાસ ફાળવવા માટે જરૂરી પુરાવા સાથે અસરગ્રસ્તો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

આ અરજીઓની ચકાસણી કર્યા બાદ કેન્દ્ર સરકારની યોજના હેઠળ યોગ્ય અસરગ્રસ્તોને આવાસની ફાળવણી કરવામાં આવશે. તળાવમાંથી દબાણો હટાવવાની મોટાભાગની કામગીરી પૂરી થઈ ગઈ છે અને હવે માત્ર કાટમાળ દૂર કરવાનું કામ બાકી છે.

આ કાટમાળ હટાવ્યા બાદ તળાવના ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરાશે, જેમાં સ્ટ્રોમ વોટર લાઇન મારફતે તળાવને વરસાદી પાણીથી ભરવામાં આવશે. આનાથી આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા હલ થશે.

જોકે, દસ વર્ષ અગાઉ તળાવની જગ્યામાં પુરાણ કરીને કેટલીક દુકાનો બની ગઈ હતી. તે સમયે નોટિસ અપાઈ હોવા છતાં, તત્કાલીન ઈસનપુર વાર્ડના એક કોર્પોરેટર અને વાર્ડ પ્રમુખની દુકાનોને તોડવાની નોટિસ મળતાં તેમણે રાજકીય વગ વાપરીને આ મામલો રફેદફે કરાવી નાખ્યો હોવાની વિગતો પણ બહાર આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.