નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરકાંઠામાં NH48 પર ચાલી રહેલા કામોનું નિરીક્ષણ કર્યું
પ્રાંતિજ તાલુકાના રસુલપુર ગામના સ્થાનિકોએ કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે બપોર બાદ સાથે મળીને રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ પર ચાલી રહેલા રસ્તાના કામોનું સ્થળ પર સઘન નિરીક્ષણ કર્યું હતું.
બંને મહાનુભાવો સાબરકાંઠાના મોતીપુરા-હિંમતનગર ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ ના નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. હિંમતનગર થી ચિલોડા જતા પ્રાંતિજ તાલુકાના રસુલપુર ખાતે કેન્દ્રીય પરિવહન મંત્રીશ્રી નિતીન ગડકરી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ગ્રામજનો દ્વારા ભવ્ય અભિવાદન સ્વાગત કરાયું હતું.
હિંમતનગર થી ચિલોડા સુધીના નેશનલ હાઈવેના નિરીક્ષણ સમયે કેન્દ્રીય મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી પ્રાંતિજ રસુલપુર ખાતેથી પસાર થવાના હોવાથી ગ્રામજનો માર્ગમાં તેમના સ્વાગત માટે આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં. ગ્રામજનો દ્વારા ગામ નજીકથી નેશનલ હાઈવે પસાર થાય છે અને ખેડૂતોના ખેતર બીજી બાજુ છે. જેથી વારંવાર અકસ્માત સર્જાતા હોવાથી ઓવર બ્રિજની માગણી કરવામાં આવી રહી હતી; જે સ્વીકારતા ગ્રામજનોએ કેન્દ્રીય મંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
નિરીક્ષણ દરમિયાન, કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરીએ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી અને પ્રોજેક્ટ સમયસર અને ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ થાય તે માટે અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય મંત્રીશ્રીને ખાતરી આપી હતી કે ગુજરાત સરકાર કેન્દ્રીય પ્રોજેક્ટ્સને ઝડપથી પૂર્ણ કરવામાં સંપૂર્ણ સહયોગ આપશે.
સાબરકાંઠામાં નિરીક્ષણ વખતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા,ધારાસભ્યશ્રી વી ડી ઝાલા, જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા શ્રી ડૉ. પાર્થરાજ સિંહ ગોહિલ, પદાધિકારીશ્રીઓ, અગ્રણીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
