મછાસરા ગામે રૂ.૧.૬૦ કરોડના ખર્ચે નવી શાળા ભવન નિર્માણના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આમોદ તાલુકાના મછાસરા ગામે આજ રોજ વિકાસના નવા અધ્યાયની શરૂઆત થઈ હતી. ગામના બાળકોને સારું અને સુવિધાસભર શિક્ષણ મળી રહે તે હેતુથી રૂ.૧.૬૦ કરોડના ખર્ચે નવી શાળા ભવન નિર્માણ કાર્યનું ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ઘણા સમયથી મછાસરા ગામના નાના વિદ્યાર્થીઓને ગામની બહાર એકથી દોઢ કિલોમીટર દૂર અભ્યાસ માટે જવું પડતું હતું,જેના કારણે બાળકો તથા વાલીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ધારાસભ્ય ડી.કે.સ્વામીએ રાજ્ય સરકાર પાસે વિશેષ અનુદાન પ્રાપ્ત કરાવી આ મહત્વપૂર્ણ કાર્યને વેગ આપ્યો હતો.કાર્યક્રમ દરમ્યાન ધારાસભ્ય ડી.કે.સ્વામીએ સરકાર તરફથી ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે આપવામાં આવતા શૈક્ષણિક લાભો,અનુદાન યોજનાઓ અને સુવિધાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી.તેમણે જણાવ્યું કે ‘શિક્ષણએ ગામના વિકાસનો પાયો છે અને દરેક બાળકને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે સરકારની પ્રથમ પ્રાથમિકતા છે.’
આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, મહામંત્રી હિતેશ પટેલ, પૂર્વ મહામંત્રી ડૉ.પ્રવિણસિંહ રાઉલજી,તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પધ્યુમનસિંહ રાઉલજી, મછાસરા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ,ગ્રામ પંચાયતના સદસ્યો,શિક્ષકો,ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ નવી શાળા ભવનના નિર્માણથી આગામી સમયમાં ગામમાં શૈક્ષણિક માળખાકીય સુવિધાઓમાં ક્રાંતિકારી સુધારો થશે અને બાળકોને ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ મળશે, તેવી સૌએ આશા વ્યક્ત કરી હતી.
