Western Times News

Gujarati News

કચ્છી ખારેક અને કેસર કેરીથી લઇને હસ્તકલાના કચ્છ અને સૌરાષ્ટ્રના 10થી વધુ ઉત્પાદનોએ મેળવ્યો છે GI ટેગ

VGRC કચ્છ-સૌરાષ્ટ્ર GI ટેગ ઉત્પાદનોને પ્રમોટ કરશે અને સ્થાનિક કારીગરોને સશક્ત કરશે

VGRC નિકાસ ક્ષમતાઓમાં વધારો કરશે અને માનનીય વડાપ્રધાનશ્રીના ‘વોકલ ફોર લોકલ’ વિઝનને વેગ આપશે

 ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ હંમેશાં દેશના સ્થાનિક અને વારસાગત ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપીને સ્થાનિક સમુદાયોને સશક્ત બનાવવાના ઉદ્દેશથી વડાપ્રધાનશ્રીએ ‘વોકલ ફોર લોકલ’ અભિયાનની શરૂઆત કરી છે.

વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગરૂપે તેમણે GI (જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન) ટેગવાળા ઉત્પાદનોને સક્રિયપણે પ્રોત્સાહન આપ્યું છે, અને આ ઉત્પાદનોને તેમણે સાંસ્કૃતિક વારસો, આર્થિક સશક્તિકરણ અને વૈશ્વિક માન્યતા સાથે જોડ્યા છે. તેઓ તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ પણ વારંવાર આ ઉત્પાદનોનો ઉલ્લેખ કર્યો છે અને કારીગરોને વ્યક્તિગત રીતે GI સર્ટિફિકેટ એનાયત કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, માનનીય કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયૂષ ગોયલે ‘વિકાસ ભી, વિરાસત ભી’ના વિઝન સાથે 2030 સુધીમાં ભારતમાં 10,000 GI (ભૌગોલિક સંકેત) ટેગ્સવાળા ઉત્પાદનો સુધી પહોંચવાનું લક્ષ્ય રાખ્યું છે.

GI ટેગિંગ જેવી પહેલ દ્વારા રાજ્યના કારીગરો અને ખેડૂતોને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવા માટે, ગુજરાત કચ્છના પ્રખ્યાત કાપડથી લઇને સૌરાષ્ટ્રના પ્રિમિયમ ઉત્પાદનો સુધીના પોતાના વારસાને પ્રમોટ કરી રહ્યું છે, જેથી રાજ્ય વૈશ્વિક સ્તરે આત્મનિર્ભર બને. GI ઉત્પાદનોની જાળવણી અને તેમનું પ્રમોશન ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સિદ્ધાંત પર ભાર મૂકે છે, જે સ્થાનિક ક્ષમતાઓને વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં પરિવર્તિત કરે છે.

કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારે અજરખ, બાંધણી, રોગન ક્રાફ્ટ પેઇન્ટિંગ, કચ્છી શાલ, કચ્છી ખારેક અને કેસર કેરી જેવા પ્રખ્યાત ઉત્પાદનો માટે GI ટેગ મેળવ્યા છે, જે સ્થાનિક કારીગરોનો વિકાસ કરે છે અને તેમને વૈશ્વિક ઓળખ આપે છે. રાજકોટમાં યોજાનારી આગામી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ કચ્છ-સૌરાષ્ટ્રના હસ્તકલા અને હાથવણાટ કારીગરોની સ્થાનિક શ્રેષ્ઠતા અને નિકાસ સંભાવનાને ઉજાગર કરવા માટે સજ્જ છે.

પરંપરા અને કલાત્મકતાથી સમૃદ્ધ, ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશોએ તેમના સાંસ્કૃતિક અને કૃષિ વારસાને રજૂ કરતા ઉત્પાદનો માટે 10 થી વધુ GI માન્યતાઓ મેળવી છે. કચ્છના પ્રખ્યાત ઉત્પાદનોમાં ભરતકામ, અજરખ બ્લોક-પ્રિન્ટિંગ, બાંધણી ટાઇ-ડાય, રોગન ક્રાફ્ટ પેઇન્ટિંગ અને કચ્છી શાલનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, કૃષિ ઉત્પાદનની વાત કરીએ તો કચ્છી ખારેકને પણ GI ટેગ આપવામાં આવ્યો છે, જે તેના અદ્ભુત સ્વાદ અને પોષકતત્વોથી ભરપૂર ગુણવત્તા માટે પ્રખ્યાત છે. સૌરાષ્ટ્રના વિશિષ્ટ ઉત્પાદનોમાં ગીરની કેસર કેરી જે ગીર પ્રદેશમાં ‘કેરીની રાણી’
તરીકે વ્યાપકપણે ઓળખાય છે, જાનમનગરી બાંધણી અને રાજકોટ પટોળા રેશમ વણાટનો સમાવેશ થાય છે. આ જામનગરી બાંધણી અને રાજકોટની સાડીઓ ઘણી બોલિવુડ સેલિબ્રિટીના વોર્ડરોબમાં પણ સ્થાન પામી છે. વધુમાં, સુરેન્દ્રનગરની ટાંગલિયા શાલ પણ તેની વિશિષ્ટ કાપડ કલાનો નમૂનો છે, જેણે કલાના ઉત્સાહીઓનો આકર્ષિત કર્યા છે અને એક વૈશ્વિક માંગ ઊભી કરી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં યોજાનારી આગામી VGRC આ વિસ્તારની હસ્તકલા અને હાથવણાટ કારીગરોની ક્ષમતાને વેગ આપશે. આ બે દિવસીય કોન્ફરન્સ હેરિટેજ ક્ષેત્રના ઉદ્યોગસાહસિકો, કારીગરો, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અને પ્રોડક્ટ ડિઝાઇનર્સ માટે સરકારી ઇ-માર્કેટપ્લેસ, રોકાણકારો, ખાનગી સાહસો અને અગ્રણી ઇ-કોમર્સ પ્લેટફોર્મ સાથે સહયોગ કરવા માટે એક ગતિશીલ પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે, જે નવીનીકરણ, બજારની પહોંચ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.