ચીન સાત કલાકમાં પૃથ્વીનું ચક્કર લગાવે તેવું પેસેન્જર પ્લેન બનાવશે
બૈજિંગ, પેસેન્જર વિમાનનો યુગ ક્રાંતિકારી પરિવર્તનના આરે ઊભો છે. એક સમયે સુપરસોનિક પ્લેનના આધારે વૃદ્ધિનો મદ્દાર રાખતો આ ઉદ્યોગ હવે સુપર સોનિક ટેકનોલોજીને બાયપાસ કરીને સીધો હાઇપર સોનિક પ્લેનની ટેકનોલોજી વિકસાવવામાં લાગી ગયો છે.
આ જ દિશામાં આગળ વધતા ચીન હાઇપર સોનિક વિમાન પ્રવાસની શિકલ પલટી નાંખે તેવું ૧૬ મેકની ઝડપે ઉડી શકે તેવું વિમાન યુનશિંગ બનાવી રહ્યું છે.સાત કલાકમાં પૃથ્વીની ફરતે આંટો મારવા સક્ષમ આ વિમાન સાકાર થતાં જ લાંબા અંતરના વિમાની પ્રવાસમાં એક પ્રકારની ક્રાંતિ આવી જશે.
જો આ વિમાન આયોજન અનુસાર સાકાર થશે તો આજે લંડનથી ન્યુ યોર્ક જતાં આઠ કલાક લાગે છે તે માત્ર દોઢ કલાકમાં જ પહોંચી શકાશે. આમ ચીન પૃથ્વીને આંટો મારે એવું પ્લેન વિકસાવીને કેટલાય દેશોને ટેકનોલોજીની હરણફાળમાં આંટી જશે તેમ મનાય છે. એક જમાનામાં કોન્કોર્ડ વિમાન ન્યુ યોર્કથી લંડન ત્રણ કલાકથી ઓછાં સમયમાં પહોંચાડતું હતું. હવે ચીનનું વિમાન કોન્કોર્ડનું સ્થાન લેશે તેમ લાગે છે.
ચીનની રાજધાની બિજિંગમાં આવેલી કંપની લિંગકોંગ ટિયાનશિંગ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલાં તેના અતિ ઝડપી વિમાન યુનશિંગનું ઓક્ટોબરમાં ચાર મેકની ઝડપે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મેક-૪ એટલે કલાકના ૩૦૬૯ માઇલની ઝડપે આ વિમાન ઉડાડવામાં આવ્યું હતું. હજી વધારે ઝડપથી આ વિમાનને ઉડાડવાના પરીક્ષણો થઇર્ રહ્યાં છે.
કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નવેમ્બરમાં પણ એડિશનલ એન્જિન ટ્રાયલ્સ કરવામાં આવી છે. આ દરેક પરીક્ષણ સાથે કંપની તેના સોળ માકની ઝડપે ઉડતાં વિમાનને સાકાર કરવાની દિશામાં આગેકૂચ કરી રહી છે.
દુનિયાને ટૂંક સમયમાં અતિ ઝડપે પ્રવાસની સવલત આપતાં નવી પેઢીના ચીની વિમાનો મળશે. ચીન હવે જે વિમાન વિક્સાવી રહ્યું છે તે અવાજ કરતાં ચાર ગણી ઝડપે ઉડી શકે છે.
જો કે, ઉડ્ડયનના ક્ષેત્રમાં થઇ રહેલી નવી શોધોને પગલે કોન્કોર્ડની સેવાઓ વિસરી જઇ શકાય તેમ નથી. લિંગકોંગ ટિયાનશિંગ કંપનીના યુનશિંગ વિમાનની ડિઝાઇન દર્શાવે છે કે ચીન હાઇપર સોનિક પ્રવાસના મામલે ગંભીર છે. એક સમય હતો કે દરેક નવી ટેકનોલોજીની વાત હોય ત્યારે જાપાનનું નામ લેવાતુ હતુ. આજેના સમયમાં દરેક નવી ટેકનોલોજીની સાથે ચીનનું નામ લેવાય છે.SS1MS
