વિદેશ ભાગેલાં આરોપીને પરત લાવવો દેશનો સંપૂર્ણ અધિકાર છેઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે વિદેશમાં ભાગે ગયેલા આરોપીઓને લઈને મહત્વની ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું કે, કાયદાથી બચવા માટે વિદેશ ભાગેલા આરોપીઓને પરત લાવવો એ દેશનો સંપૂર્ણ અધિકાર છે.
સુપ્રીમ કોર્ટે દુબઈમાં રહેતા વિજય મુરલીધર ઉધવાનીની અરજી પર સુનાવણી કરવાની મનાઈ કરી દીધી. એમાં ઉધવાનીએ વકીલ મારફતે યુએઈથી પરત લાવવા માટે ભારતની વિનંતી હટાવવાની માંગ કરાઈ હતી.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મેહતાની બેન્ચે સુનાવણીમાં પિટીશનરની દલીલો માનવાનો ઈનકાર કર્યાે અને કહ્યું કે જો આરોપીએ એફઆઈઆરની સંપૂર્ણ માહિતી જોઈએ છે તો તેણે ભારત આવીને મેળવવી પડશે.આરોપી ઉધનાનીના વકીલે કહ્યું કે, તેની પાસે પાસપોર્ટ નથી અને એ ભારત આવવા ઈચ્છે છે.
આ મામલામાં એક સહ-આરોપીનું પોલીસ કસ્ટડીમાં મોત થઈ ચુક્યું છે, એટલા માટે ઉધવાની પોતાની સુરક્ષાને લઈને ભયભીત છે.આ સાથે વકીલે માંગ કરી હતી કે ભારત પરત આવવા પર તેને સીસીટીવીની દેખરેખ(કસ્ટડી)માં રાખવામાં આવે. જોકે, બેન્ચે તમામ દલીલો પર વિચાર કરવાનો ઈનકાર કર્યાે અને કહ્યું કે અધિકારીઓ તેને ભારત પરત લાવવાં સક્ષમ છે.
ત્યાર પછી વકીલેએ અરજી પરત લઈ લીધી હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગુજરાત હાઈકોર્ટે પણ ઉધવાનીની અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટનું કહેવું હતું કે આરોપીને સુનાવણીમાં ઉપસ્થિત રાખવો અને તેને પરત લાવવા માટેની પ્રક્રિયા શરુ કરવી બિલકુલ ઉચિત છે.
રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કહ્યું હતું કે આરોપી દારુબંધીની સાથે-સાથે ષડયંત્ર, હેરાફેરી અને મની લોન્ડ્રિંગ જેવા ગંભીર ગુનાઓમાં સામેલ છે, તેની તપાસ ઈડી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, ઉધવાની પર ગુજરાતમાં ૧૫૩ ગુનાના કેસ નોંધાયેલા છે. ઉધવાની જુલાઈ ૨૦૨૨માં દુબઈ ગયો હતો, ત્યાર પછી ભારત પરત ફર્યાે નથી. તેની સામે રેડ કોર્નર નોટિસ પણ ઈશ્યૂ કરાઈ છે.SS1MS
