રેર અર્થ મેગ્નેટના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા રૂ.૭,૨૮૦ કરોડની યોજનાને મંજૂરી
નવી દિલ્હી, ચીન પરની નિર્ભરતામાં ઘટાડો કરવાના હેતુ સાથે કેન્દ્રીય કેબિનેટે દેશમાં રેર અર્થ પર્મેનન્ટ મેગ્નેટના ઉત્પાદનને પ્રોત્સાહ આપવા રૂ.૭,૨૮૦ કરોડની એક યોજનાને બુધવારે મંજૂરી આપી હતી.
રેર અર્થ મેગ્નેટ ઇલેક્ટ્રિક વ્હિકલ, રિન્યુએબલ એનર્જી, ઇલેક્ટ્રોનિક્સ, એરોસ્પેસ અને સંરક્ષણ જેવા ક્ષેત્રનો મહત્ત્વનો કાચો માલ છે અને તેના પર ચીનની ઇજારાશાહી છે.
માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં સિન્ટર્ડ રેર અર્થ પર્મેનન્ટ મેગ્નેટ ના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની યોજનાને મંજૂરી અપાઈ હતી. તેનો ઉદ્દેશ્ય વાર્ષિક ૬,૦૦૦ ટનની ઉત્પાદન ક્ષમતા ઊભી કરવાનો છે. આ યોજના હેઠળ ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની સ્થાપના માટે પ્રોત્સાહનો મળશે.
આ પ્લાન્ટમાં રેર અર્થ ઓક્સાઇડને ધાતુઓમાં, ધાતુઓને મિશ્રધાતુઓમાં અને મિશ્રધાતુઓને તૈયાર ચુંબકમાં રૂપાંતરિત કરાશે. વૈશ્વિક બિડિંગ પ્રોસેસ પાંચ દાવેદાર કંપનીઓની પસંદગી કરાશે.
દરેક કંપનીને વાર્ષિક ૧,૨૦૦ ટનની ઉત્પાદન ક્ષમતા માટે પ્રોત્સાહન મળશે.ઇલેક્ટ્રિક વાહનો, રિન્યુએબ એનર્જી, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સની ઝડપથી વધતી માંગને કારણે ભારતમાં રેર મેગ્નેટની જરૂરિયાત આગામી પાંચ વર્ષમાં બમણી થવાનો અંદાજ છે. હાલમાં ભારતની મુખ્યત્વે ચીન સહિતના દેશોમાંથી થતી આયાત દ્વારા તેની આ માગ પૂરી કરે છે.
વિશ્વમાં મેગ્નેટની કુલ ઉત્પાદન ક્ષમતામાંથી ૯૦ ટકા ક્ષમતા પર ચીનનો અંકુશ છે. ભારતમાં અંદાજે ૬૯ લાખ ટનનો અનામત ભંડાર હોવાનો અંદાજ છે.કેન્દ્રીય કેબિનેટે બુધવારે ગુજરાતમાં દ્વારકા-કાનાલુસ રેલ લાઇનને ડબલ કરવા અને મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં બદલાપુર અને કર્જત વચ્ચે ત્રીજી અને ચોથી લાઇન બનાવવાના આશરે રૂ.૨,૭૭૧ કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી.
કેબિનેટે રૂ.૯,૮૫૮ કરોડના ખર્ચે પુણે મેટ્રોના વિસ્તરણને પણ બહાલી આપી હતી. દેવભૂમિ દ્વારકા (ઓખા)-કાનાલુસ રેલ લાઇનથી પ્રખ્યાત યાત્રાધામ દ્વારકાધીશ મંદિર સાથેના રેલવે જોડાણમાં સુધારો થશે. તેનાથી કોલસો, મીઠું, કન્ટેનર અને સિમેન્ટ જેવી ચીજવસ્તુઓની પરિવહનમાં પણ સુધારો થશે.SS1MS
