ભાવનગરમાં પાંચ હજારની લેતી દેતીમાં ૪ શખ્સે મિત્રની છરીના ઘા ઝીંકી હત્યા કરી
પ્રતિકાત્મક
ભાવનગર, ભાવનગર શહેરમાં ગુનાખોરીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તારીખ ૨૫ નવેમ્બરની મોડી રાત્રે શહેરના કરચલીયા પરા વિસ્તારમાં રૂપિયા પાંચ હજારની આર્થિક લેતીદેતીના મામલે મિત્ર મોહિત નરેશભાઈ ટેભાણીની તેના મિત્ર સહિત ચાર શખસોએ મેલડી માતાના મંદિરની સામે છરીના આડેધડ ઘા મારી હત્યા કરી નાખી છે.
લોહીના ખાબોચિયામાં તરફડિયાં મારતા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, કરચલીયા પરામાં ધનાનગરમાં રહેતા અને મજૂરી કામ કરતા મોહિત નરેશભાઈ ટેભાણીને આ જ વિસ્તારના કાનજી ઉર્ફે કાનો કાળુ બારૈયા, કિશન ઉર્ફે કાળો કોથમરી, રામ ઉર્ફે કાળીયો અને આર્યન બારૈયા સાથે પૈસાની લેવડદેવડને લઈને માથાકૂટ ચાલતી હતી.૨૫મી નવેમ્બરની રાત્રે આશરે ૧૧.૩૦ વાગ્યે, મોહિત તેના મિત્ર સાથે આ વિસ્તારમાં આવેલા મેલડી માતાના મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો.
તે સમયે ચારેય આરોપીઓએ તેની સાથે ઝઘડો શરૂ કર્યાે અને છરી સહિતના તીક્ષ્ણ હથિયારો વડે તેના પર આડેધડ ઘા ઝીંકી બાઈક અને સ્કૂટર લઈને ફરાર થઈ ગયા હતા.
ગંભીર રીતે ઘવાયેલા મોહિતને તાત્કાલિક સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. મૃતકના કાકા મહેશ ઉર્ફે પાગો બટુકભાઈ ટેભાણીએ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ચારેય શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
સિટી ડીવાયએસપી આર.આર.સિંધાલએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, “ગંગાજળીયા પોલીસ સ્ટેશન વિસ્તારના કરચલિયા પરામાં ગઈકાલે રાત્રે પૈસાની લેતીદેતી મામલે માથાકૂટ થઈ હતી.
જેમાં ચારેય આરોપીઓએ ભેગા થઈ મૃતક મોહિતને છરીના ઘા મારતા તેનું હોસ્પિટલમાં મોત થયું છે. આ મામલે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો નોંધીને ૨ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.”મૃતક મોહિતના પિતાનું ચાર વર્ષ પહેલાં અવસાન થયું છે અને તે તેની માતા, બહેનો, પત્ની તથા પુત્ર સાથે રહેતો હતો. તે મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.SS1MS
