મહેસાણા અને કડીના બે ગૃહસ્થોને ડિજિટલ એરેસ્ટ કરીને ૩૦ લાખ પડાવી ઠગાઈ
મહેસાણા, મહેસાણા અને કડીના બે ગૃહસ્થોને અજાણ્યા ભેજાબાજોએ મની લોન્ડરીંગના કેસના મામલે ડિજિટલ એરેસ્ટ કરીને તેમને ભયમાં રાખી કુલ રૃપિયા ૩૦ લાખની રકમ પડાવી લઈ છેતરપિંડી આચરી હતી.
આ અંગે મહેસાણા સાયબર પોલીસ મથકે અલગઅલગ નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૃ કર્યાે છે. વર્તમાન ડિજિટલ યુગમાં ભેજાબાજો દ્વારા અવનવા કાવતરા રચીને લોકોને ફસાવી છેતરપિંડી આચરવાના ગુનાઓમાં ચિંતાજનક વધારો થયો છે.
આ પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવીને કોઈ ગઠીયાઓએ કાવતરૃ રચીને વિડીયો કોલના માધ્યમથી મહેસાણા અને કડી પંથકના બે ગૃહસ્થોને ડીજીટલ એરેસ્ટ કરી કુલ રૃપિયા ૩૦ લાખની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.
આ અંગે મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં જુદીજુદી બે ફરીયાદો નોંધાવવામાં આવતાં પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો દાખલ કર્યાે હતો. સાયબર ક્રાઈમના પોલીસ ઈન્સ્પેકટર જે.જી.વાઘેલાએ જણાવ્યા અનુસાર મહેસાણા અને કડીના ગૃહસ્થોને જુદીજુદી બે ટોળકીના ગઠીયાઓએ વિડીયો કોલ કરીને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે મની લોન્ડરીંગ અને સાયબર ક્રાઈમના નામે ભયમાં રાખીને ઠગાઈ આચરી હતી.
જેમાં તા.૧૭ અને ૨૧ નવેમ્બરના રોજ કડીના ગૃહસ્થ પાસેથી ૧૦ લાખ અને મહેસાણાના ગૃહસ્થ પાસેથી ગુનાની પતાવટ કરવા તુમકો પૈસા ભરના પડેગા તેમ જણાવી રૃપિયા ૨૦ લાખ આરટીજીએસના માધ્યમથી મેળવીને આરબીઆઈ દ્વારા પરત પૈસા મળી જશે તેમ જણાવી છેતરપિંડી આચરી હોવાનું જાણવા મળે છે.SS1MS
