અમદાવાદમાં રેલવે સ્ટેશને વેઈટિંગ રુમમાં રોકાવા કલાકના ૨૦ રૂપિયા ભાડું વસૂલાશે
અમદાવાદ, ધીમે ધીમે સરકાર દ્વારા બધા ક્ષેત્રોનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદ રેલવે સ્ટેશનના એસી વેઈટિંગ રૂમમાં રોકાવા માટે પણ હવે લોકોએ ચાર્જ ચૂકવવો પડશે. અત્યાર સુધી એસી કોચની ટિકિટ હોય તેવા મુસાફરોને એસી વેઈટિંગ રૂમની સુવિધા વિનામૂલ્યે મળતી હતી.અમદાવાદ રેલવે સ્ટેશનના નવા એસી વેઈટિંગ રૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
રેલવે તંત્રના જણાવ્યા અનુસાર આ વેઈટિંગ રૂમમાં રોકાવા માટે પુખ્ત વયની વ્યક્તિ પાસેથી પ્રતિકલાક રૂ.૨૦ અને ૫થી ૧૨ વર્ષની ઉંમરના બાળકો માટે પ્રતિકલાક રૂ.૧૦ ચાર્જ લેવામાં આવશે.
એટલે કે નવી સુવિધાના નામે મુસાફરો પર ભારણ નાંખવામાં આવ્યું છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર ૪૨૪૦ ચોરસ ફૂટમાં બનાવવામાં આવેલા આ વેઈટિંગ રૂમની ક્ષમતા ૨૫૦ મુસાફરોની છે.
અહીં ટૂંક સમયમાં ટ્રાવેલ કિયોસ્ક શરૂ કરવામાં આવશે. જેના દ્વારા મુસાફરો અમદાવાદથી અન્ય સ્થળો પર જવાની ટિકિટ બૂક કરી શકશે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ વેઈટિંગરૂમનું સંચાલન રેલવે તંત્ર દ્વારા એજન્સીને સોંપી દેવામાં આવ્યું છે.
જેના પાંચ વર્ષના ભાડા પેટે રૂ.૫.૫૦ કરોડની રકમ એજન્સી દ્વારા રેલવે તંત્રને ચૂકવવામાં આવશે. અત્યાર સુધી રેલવે તંત્રને વેઈટિંગ રૂમના સંચાલનમાં ખર્ચ કરવો પડતો હતો, જે હવે કરવો પડશે નહીં. ઉલટાનું કરોડો રૂપિયાની કમાણી થશે!SS1MS
