Western Times News

Gujarati News

પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં રોટલીના બાસ્કેટમાંથી જીવાતો નીકળી!

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં આવેલી એક મોટી મોચા રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા એક પરિવારને અત્યંત કડવો અને ડરામણો અનુભવ થયો હતો. રોટલી સર્વ કરવા માટે ઉપયોગમાં લેવાતા વાંસના બાસ્કેટને ખંખેરતા તેમાંથી ડઝનબંધ જીવડાં બહાર નીકળ્યા હતા, જે સીધા ગ્રાહકના ટેબલ પર ફરવા લાગ્યા હતા, જેના કારણે પરિવારમાં દહેશત ફેલાઈ ગઈ હતી.

આ ચોંકાવનારી ઘટના તારીખ ૧૮/૧૧/૨૦૨૫ના રોજ બની હતી. ગ્રાહકે આપેલી વિગતો મુજબ, રોટલીના વાંસના બાસ્કેટમાં જીવાતોનો ભરાવો હતો. જ્યારે આ બાસ્કેટને સહેજ ખંખેરવામાં આવ્યું ત્યારે તેમાંથી અસંખ્ય જીવાતો નીકળીને સીધી જમવાના ટેબલ પર ફરવા લાગી હતી. એક પ્રખ્યાત અને મોંઘી રેસ્ટોરન્ટમાં આવી હૈફી (ગંદકી) જોઈને ગ્રાહક સ્તબ્ધ થઈ ગયા હતા.

આ ગંભીર બેદરકારી અંગે જ્યારે ગ્રાહકે રેસ્ટોરન્ટના મેનેજરને ફરિયાદ કરી, ત્યારે તેમને અત્યંત નફ્ફટાઈભર્યો અને બેજવાબદાર જવાબ મળ્યો હતો. મેનેજરે પોતાની ભૂલ સ્વીકારવા કે માફી માંગવાને બદલે માત્ર એટલું જ કહ્યું, બીજું ભાણું મંગાવી દઈએ છીએ. મેનેજરે આ ઘટના અંગે કોઈપણ પ્રકારની દિલગીરી વ્યક્ત કરી ન હતી. એટલું જ નહીં, મેનેજરે ગ્રાહક પાસેથી આ જમવાનું બિલ પણ લીધું ન હતું.

ગ્રાહકે રસોડાની સફાઈ અને સ્વચ્છતા જોવા માટે અંદર જવાની માગણી કરી, પરંતુ મેનેજરે સીધો ઇનકાર કરી દીધો અને કહ્યું કે, “રસોડામાં નહીં જઈ શકો.” બાદમાં રેસ્ટોરન્ટના ઉપરી અધિકારીનો ફોન આવ્યો, પરંતુ તેમની તરફથી પણ કોઈ સંતોષકારક જવાબ કે સ્પષ્ટતા મળી નહોતી. આ ઘટના ગ્રાહકના સ્વાસ્થ્ય સાથેનો ગંભીર ખિલવાડ હોવાથી મામલો મ્યુનિસિપલ કોર્પોરેશન (મનપા) સુધી પહોંચ્યો હતો.

અમદાવાદ મનપાની ફૂડ સેફ્ટી ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને Mocha રેસ્ટોરન્ટને ગંભીર બેદરકારી અને અસ્વચ્છતા બદલ રૂ. ૨૫,૦૦૦ (પચીસ હજાર)નો દંડ ફટકાર્યો છે. આ દંડ એ વાતનો સંકેત આપે છે કે પ્રખ્યાત અને મોંઘી રેસ્ટોરન્ટોએ પણ સ્વચ્છતા અને ગ્રાહકના સ્વાસ્થ્યને ગંભીરતાથી લેવું પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.