અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ૨૩ ગુનામાં સંડોવાયેલા મોહંમદ સિકંદરને દબોચ્યો
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે લાંબા સમયથી પોલીસ ચોપડે વોન્ટેડ ચાલી રહેલા કુખ્યાત આરોપી મોહંમદ સિકંદર ભાડભુંજાને ઝડપી પાડ્યો છે. હત્યાના પ્રયાસ, લૂંટ, ઘરફોડ અને મારામારી સહિત કુલ ૨૩ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો આ આરોપી બાપુનગર વિસ્તારમાં મણીલાલની ચાલી પાસેના જાહેર રસ્તા પરથી પકડાયો હતો.
મહત્ત્વનું છે કે, આરોપીની તલાશી લેતા પોલીસને તેની પાસેથી ગેરકાયદેસર હથિયારોનો જથ્થો પણ મળી આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચે બે ગેરકાયદેસર તમંચા અને ચાર જીવતા કારતુસ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના બુલંદ શહેરનો વતની અને અમદાવાદમાં બાપુનગર દરગાહમાં સાફ-સફાઈનું કામ કરતો મોહંમદસિકંદર, આ હથિયારો ઉત્તર પ્રદેશથી ખરીદી લાવ્યો હતો. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આ હથિયારો પાછળનું કારણ પારિવારિક દુશ્મની હતી. આજથી લગભગ ૧૫ વર્ષ પહેલા આરોપીના ભાઈ તનવીર ભાડભુંજાની હત્યા સલમાન શેખ નામના વ્યક્તિએ કરી હતી, જેને આ કેસમાં આજીવન કેદની સજા થઈ છે.
જોકે, સલમાન શેખ પેરોલ પર જેલમાંથી બહાર આવતો રહેતો હોવાથી, મોહંમદ સિકંદરને સતત ડર હતો કે સલમાન તેના પર હુમલો કરશે. આ ડરને કારણે જ આરોપી એક વર્ષ પહેલા યુ.પી.થી હથિયારો ખરીદી લાવ્યો હતો.
મોહંમદ સિકંદર ભાડભુંજાના પરિવારનો ગુનાહિત ઇતિહાસ પણ મોટો છે. તેનો ભાઈ સર્વર ઉર્ફે કડવા પણ ૨૦થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે અને હાલમાં ‘પાસા’ હેઠળ જેલમાં બંધ છે. ભૂતકાળમાં સર્વરે રખિયાલ વિસ્તારમાં ખુલ્લા હથિયારો સાથે આતંક મચાવ્યો હતો, જેના પગલે તેની ધરપકડ થઈ હતી.
ક્રાઈમ બ્રાંચે જણાવ્યું કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોહંમદ સિકંદર અબ્દુલ કરીમ બાળપુજા ઉર્ફે મોરજી નામના વ્યક્તિને બાપુનગર, પન્નાલાલ વિસ્તારમાં હસન શાહપીરની જગ્યાની પાસે ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે તેના કબજામાંથી બે દેશી તમંચા, ચાર કારતૂસ અને એક મોબાઈલ ફોન મળીને કુલ ૧૬,૬૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલો આરોપી અગાઉ ખૂનની કોશિશ, લૂંટ, ઘરફોડ ચોરી, મારામારી જેવા ૨૩થી વધુ ગુનાઓમાં પકડાયેલો છે.
