Western Times News

Gujarati News

આનંદનગરમાં આવેલા ‘ન્યૂ અરીસ્તા વેલ સ્પા’માં દરોડા, મેનેજર રંગેહાથ ઝડપાયો

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના પોશ વિસ્તાર કહેવાતા આનંદનગરમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ થયો છે. હરણ સર્કલ પાસેના દેવ ઓરમ કોમ્પલેક્ષમાં આવેલા ‘ન્યૂ અરીસ્તા વેલ સ્પા’માં બોડી મસાજની આડમાં ચાલતા કુટણખાનામાં પોલીસે દરોડો પાડી પર્દાફાશ કર્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન સ્પાનો મેનેજર રંગેહાથ ઝડપાયો હતો, જ્યારે સ્પાનો માલિક ફરાર હોવાનું સામે આવ્યું છે. મેનેજર અને માલિક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. પોલીસને મળેલી માહિતી અનુસાર સ્પા સેન્ટરમાં યુવતીઓ મારફતે ગ્રાહકો સાથે રૂપિયાના બદલામાં ગેરકાયદે શારીરિક સંબંધ બાંધવાની વ્યવસ્થા કરાતી હતી. આ બાતમી મળતાં, પોલીસે કાયદાકીય કાર્યવાહી માટે એક ડમી ગ્રાહક તૈયાર કર્યો હતો.

પંચોની હાજરીમાં તેની પાસે રૂપિયા ૫૦૦ની બે ચલણી નોટો આપીને સ્પામાં મોકલવામાં આવ્યો હતો અને એ નોટોના નંબર પણ નોંધવામાં આવ્યા હતા. ત્યાર બાદ પોલીસે સ્પામાં દરોડો પાડ્‌યો હતો. રિસેપ્શન પર હાજર વ્યક્તિને પકડી પૂછતા તે સ્પાનો મેનેજર હોવાનું અને છેલ્લા એક વર્ષથી અહીં નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. સ્પાની અંદર ચેકિંગ કરતા એક રૂમમાંથી ડમી ગ્રાહક સાથે દેહવ્યાપાર માટે એક યુવતી મળી આવી હતી.

સ્પામાં કુલ છ રૂમોને પાર્ટીશન કરીને બનાવવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન કુલ ચાર યુવતીઓ મળી આવી હતી. પોલીસની હાજરીમાં યુવતીઓએ કબૂલ્યું હતું કે, સ્પાનો માલિક તેમને દેહવ્યાપાર માટે દબાણપૂર્વક કામે રાખતો હતો. તેમને રોજ સવારે ૧૧થી સાંજના ૮ સુધી કામ કરાવતો અને પ્રતિ ગ્રાહક દીઠ રૂપિયા ૫૦૦ મુજબ સાંજે હિસાબ આપતો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.