OTT પ્લેટફોર્મ ઉપર વાંધાજનક કન્ટેન્ટને લઈને સુનાવણી હાથ ધરાઈ
(એજન્સી)નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે આજે સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ પર વાંધાજનક કન્ટેન્ટને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે કેન્દ્ર સરકારને ચાર અઠવાડિયામાં જવાબ આપવા માટે કહ્યું છે.
સુનાવણી દરમિયાન, આવા કન્ટેન્ટના પ્રસારણને કારણે સમાજ પર તેની અસર વિશે વિચારણા કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્ત અને ન્યાયાધીશ જયમાલા બાગચીની બેન્ચે આ મુદ્દે વિગતવાર સુનાવણી કરી હતી.
સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, આજના ડિજિટલ યુગમાં ફોન ચાલુ કરતાં જ એવા કન્ટેન્ટ સામે આવી જાય છે, જે આપણે જોઈ પણ ન શકીએ. તેમણે ઉદાહરણ આપ્યું કે પુસ્તકો, ચિત્રો કે અન્ય માધ્યમોમાં પણ અશ્લીલતા મળી શકે છે.
જો આવા કન્ટેન્ટની હરાજી થાય તો પ્રતિબંધો લાદવા જરૂરી છે. તેમણે ભાર મૂક્્યો કે, યૂઝર્સઓને અશ્લીલ કન્ટેન્ટથી બચાવવા માટે એલર્ટ અને ડિસ્ક્લેમર્સની વ્યવસ્થા કરવી જોઈએ. એલર્ટ ફક્ત થોડીક સેકન્ડ માટે હોવી જોઈએ, જેથી યૂઝર્સ તેને સમજીને આગળ વધી શકે.
ન્યાયાધીશ જયમાલા બાગચીએ જણાવ્યું કે, આવી સામગ્રીથી કેટલાક લોકો ચોંકી શકે છે, તેથી તેમના માટે પ્રારંભિક ચેતવણી આવશ્યક છે. તેમણે કહ્યું કે, આ માત્ર ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકો વિશે નથી, પરંતુ તેનું મુખ્ય ધ્યેય એ છે કે, આવી સામગ્રી જાહેર વપરાશ અથવા જાહેરમાં જોવા માટે યોગ્ય નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ચેતવણી યૂઝર્સને માનસિક રીતે તૈયાર કરી શકે છે અને અનિચ્છનીય અસરને ટાળી શકે છે.
