ગાંધીધામનો ડીઝલ લોકો મેન્ટેનન્સ શેડ: દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ સર્વ શ્રેષ્ઠ મેન્ટેનન્સ કેન્દ્રોમાં શામેલ
અમદાવાદ, પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી વેદપ્રકાશે ગાંધીધામ ખાતે અત્યાધુનિક (GDLG) ગવર્મેન્ટ ડીઝલ લોકોમોટિવ મેન્ટેનન્સ શેડનું નિરીક્ષણ કર્યું. મીઠીરોહર નજીક સ્થિત, આ શેડ ભારતીય રેલ્વેના સૌથી મહત્વપૂર્ણ મેન્ટેનન્સ કેન્દ્રોમાંનું એક છે, જ્યાં 250 ઉચ્ચ-ક્ષમતાવાળા લોકોમોટિવ્સની વિશ્વસ્તરની જાળવણી કરવામાં આવે છે.
નિરીક્ષણ દરમિયાન, ડીઆરએમ શ્રી વેદપ્રકાશે શેડના સુવ્યવસ્થિત કાર્યપ્રણાલી, સ્વચ્છ વાતાવરણ, અદ્યતન તકનીકી સુવિધાઓ અને સ્ટાફ કાર્યક્ષમતાની પ્રશંસા કરી. તેમણે કહ્યું, “આ ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વમાં એકમાત્ર શેડ છે, જ્યાં ઉચ્ચ-હોર્સપાવર લોકોમોટિવ્સનું આયોજન, ગુણવત્તા અને કાર્યક્ષમતા સાથે જાળવણી કરવામાં આવે છે. અહીં કોઈ તેલ લીકેજ કે કોઈપણ પ્રકારની ગંદકી નથી – તે ખરેખર ભારતીય રેલ્વે માટે એક માર્ગદર્શક મોડેલ છે.”
ઉચ્ચ ક્ષમતા અને અત્યાધુનિક સિસ્ટમ
આ શેડની ક્ષમતા કુલ 250 લોકોમોટિવ્સ (213 લોકો – 4500 HP, 37 લોકો- 6000 HP) ની નિયમિત મેન્ટેનન્સ કરવાની છે. લોકોમોટિવ અહીંથી નીકળીને સમગ્ર દેશમાં 95,000 કિમી સુધી સતત કોઈપણ મોટી સમસ્યા વિના ચાલે છે.
6 ટ્રેક વાળા આ શેડમાં નિયમિતપણે 5 લાઇનોનો ઉપયોગ થાય છે. દરેક લાઇન પર ક્રેન પ્રણાલી ઉપલબ્ધ છે, જેનાથી કોઈપણ લાઇન પર કોઈપણ સમયે સરળતાથી કામ કરી શકાય છે.
• આ શેડ 1,19,437.500 વર્ગ મીટર (29.513 એકર) વિસ્તારમાં વિકસિત કરવામાં આવ્યો છે અને દેશના અન્ય શેડ કરતા સંપૂર્ણપણે અલગ તેનો યોજનાબદ્ધ લેઆઉટ રાખે છે.
ત્વરિત રિસ્પોન્સ અને ઓનલાઇન મોનિટરિંગ
શેડમાં 24×7 ઉપલબ્ધ ત્વરિત રિસ્પોન્સ ટીમ (PRT) અને હેલ્પલાઇન ના માધ્યમથી કોઈપણ લોકોમોટિવમાં આવેલી સમસ્યા પર તાત્કાલિક તકનીકી સહાય પૂરી પાડે છે. ટ્રેન ડ્રાઇવરોને માર્ગમાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે તો સીધા તેમને ગાંધીધામ શેડમાંથી માર્ગદર્શન આપવામાં આવે છે.
અહીં, એન્જીનોનું મેન્ટનન્સ એટલાજ સમયમાં પૂર્ણ કરવામાં આવે છે જેટલો સમય કંડલા-મુન્દ્રા બંદર પર લોડિંગ- અનલોડિંગમાં લાગે છે જેનાથી માલ પરિવહનની કાર્યક્ષમતા અનેકગણી વધી જાય છે.
આધુનિક સુરક્ષા અને સંરક્ષા પ્રણાલી
શેડમાં સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે.
7.5 લાખ લિટર જળ સંગ્રહ ક્ષમતા
અત્યાધુનિક અગ્નિશામક પ્રણાલી
ઓટો મોડ પમ્પિંગ સુવિધા
સમગ્ર પરિસરમાં ફાયર એલાર્મ સિસ્ટમ, સ્મોક ડિટેક્ટર અને સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમ ઓન- સાઈટ પ્રાથમિક ઉપચાર કેન્દ્ર અને એમ્બ્યુલન્સ
• આ શેડના સંચાલનથી સ્થાનિક સ્તરે લગભગ 500 લોકોને રોજગારી પણ મળી છે, જેનાથી કચ્છ પ્રદેશના આર્થિક વિકાસને વેગ મળ્યો છે.
ટેકનિકલ સુવિધાઓ – WDG4G અને WDG6G લોકોમોટિવ
શેડમાં જાળવવામાં આવતા WDG4G અને WDG6G લોકોમોટિવ આધુનિક ટેકનોલોજી, પર્યાવરણને અનુકૂળ ઉત્સર્જન ધોરણો અને ઉચ્ચ હોર્સપાવર ક્ષમતાઓથી સજ્જ છે. WDG4G (4500 HP) – GEVO-12 એન્જિન આધારિત
WDG6G (6000 HP) – GEVO-16 એન્જિન આધારિત
• બંને મોડેલો UIC-1 ઉત્સર્જન ધોરણોનું પાલન કરે છે અને 100 કિમી/કલાકની અધિકતમ ગતિ સાથે ઉચ્ચતમ ટ્રેક્ટિવ ક્ષમતા પ્રદાન કરે છે.
આ પ્રોજેક્ટ 30 નવેમ્બર, 2015 ના રોજ ભારતીય રેલ્વે અને ખાનગી ભાગીદાર વચ્ચે કરાયેલા પ્રોક્યોરમેન્ટ-કમ-મેન્ટેનન્સ એગ્રીમેન્ટ (PCMA) હેઠળ અસ્તિત્વમાં આવ્યો હતો. આ ભારતીય રેલ્વેમાં પ્રથમ વિદેશી સીધા રોકાણ (FDI) આધારિત પ્રોજેક્ટ્સમાંનો એક છે. ત્યારબાદ આ સંયુક્ત સાહસનું નામ 27 સપ્ટેમ્બર 2021 ના રોજ બદલીને વેબટક લોકોમોટિવ પ્રાઈવેટ લિમિટેડ કરવામાં આવ્યું .
ગાંધીધામના GDLG લોકો શેડ ભારતીય રેલ્વેના ટેકનોલોજીકલ આધુનિકીકરણનું એક ઉત્તમ ઉદાહરણ છે. સુવ્યવસ્થિત પ્રક્રિયાઓ, સ્વચ્છ પરિસર, ઉચ્ચ-ક્ષમતાવાળા લોકોમોટિવ, ઝડપી ટેકનિકલ સપોર્ટ અને વ્યાપક સલામતી વ્યવસ્થા – આ બધા પરિબળો તેને માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે સર્વશ્રેષ્ઠ મેન્ટેનન્સ ડેપોમાંનું એક બનાવે છે.
