Western Times News

Gujarati News

અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર લખી શું રજૂઆત કરી?

પ્રતિકાત્મક

અમદાવાદ શહેરની DEO કચેરીના વિભાજનથી સંચાલકોમાં નારાજગી

(એજન્સી) અમદાવાદ, અમદાવાદ શહેર ડીઈઓ કચેરીના વિભાજનને લઈને સંચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વિભાજન વખતે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની હદને ધ્યાને લીધા વગર જ વિભાજન કરવામાં આવ્યું છે જેના પગલે શહેરની અસંખ્ય શાળાઓને બે-બે ડીઈઓ કચેરી લાગુ પડે છે !

આ મુદ્દે અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે જેમાં મ્યુનિ. કોર્પોરેશનની હદમાં આવતી તમામ સ્કૂલોને આવરી લીધા બાદ જ શહેર ડીઈઓ કચેરીની શાળાઓને પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચવામાં આવે તેવી ભલામણ કરાઈ છે.

શાળાઓની વહીવટી સરળતા માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીનું વિભાજન મુદ્દે અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં શહેર ડીઈઓ કચેરીનું પૂર્વ ડીઈઓ અને પશ્ચિમ ડીઈઓ એમ બે ભાગમાં વિભાજનમાં રહેલી કચાશો પ્રત્યે ધ્યાન દોરતા કેટલાક મુદ્દાઓ રજૂ કર્યા છે જેમાં હાલનું વિભાજન અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની હદને ધ્યાને રાખીને કરવામાં આવ્યું ન હોવાનું જણાવાયું છે.

આ વખતે વિભાજન હદનું ધ્યાન રખાયું ન હોવાથી કોર્પોરેશનની હદમાં આવતી અસંખ્ય શાળાઓને બે-બે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી લાગુ પડે છે જે બિલકુલ અયોગ્ય છે. એક જ કેમ્પસમાં આવેલી પ્રાથમિક શાળા માટે એક ડીઈઓ કચેરી જ્યારે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા માટે બીજા ડીઈઓ લાગુ પડે છે તે પણ યોગ્ય નથી.

અગાઉ આ બાબતે અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળ તરફથી રપ માર્ચ ર૦રપના રોજ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી. આ સિવાય અમદાવાદ પૂર્વ વિસ્તારના મોટાભાગના ધારાસભ્યોએ પણ આ બાબતે પત્ર લખ્યા છે તેમ છતાં વિભાજન વખતે ત બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું નથી.

ટૂંકમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હદમાં આવતી પછી ગમે તે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી લાગુ પડતી હોય તેવી તમામ શાળાઓને સંપૂર્ણપણે આવરી લેવામાં આવે અને પછી અમદાવાદ શહેર પૂર્વ વિસ્તાર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને અમદાવાદ શહેર પશ્ચિમ વિસ્તાર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં શાળાઓને વહેંચવામાં આવે તો સાચી રીતે વહીવટી સરળતા ખાતર યોગ્ય વિભાજન થયું ગણાશે તેવી માંગ કરાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.