Western Times News

Gujarati News

ગુજરાત ટુરિઝમ અને SMCના ‘નકલી ટેન્ડર’ બનાવી છેતરપિંડી આચરતો માસ્ટર માઈન્ડ ઝડપાયો

AI Image

૪૧ કરોડનો ચૂનો લગાડનાર નિવૃત્ત નાયબ સચિવનો ઠગ પુત્ર આખરે પોલીસ સકંજામાં

(એજન્સી)ગાંધીનગર, ગુજરાત ટુરિઝમ અને સુરત મ્યુનિ.કોર્પોરેશનના ‘નકલી ટેન્ડર’ બનાવી છેતરપિંડી આચરવામાં માસ્ટર માઈન્ડ નિવૃત્ત નાયબ સચિવના ઠગ પુત્ર નીરવ દવેની ઈન્ફોસિટી પોલીસે ધરપકડ કરી તપાસના ચક્રોગતિમાન કર્યા છે. છેતરપિંડીની ત્રણ ફરિયાદોના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

તે દરમિયાન નિરવ અને તેની પત્ની મીરાએ ર૦થી વધુ લોકો સાથે છેતરપિંડી આચરી રૂપિયા ૪૧ કરોડનો ચૂનો લગાવ્યો હોવાનું સામે આવ્યું છે. તપાસ કરનાર ઈન્ફોસિટી પોલીસ મથકના પીઆઈ વી.આર.ખેરએ જણાવ્યું કે, આરોપી નીરવ દવેને ગુરૂવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

સે-ર૩માં રહેતા નીરવ મહેન્દ્રભાઈ દવે (પ્રાણકુંજ સોસાયટી) વિરૂદ્ધ ભાવિક રમેશચંદ્ર પટેલ (રહે.સંગીત કોમ્પલેકસ, સોલા)એ ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં સપ્ટેમ્બર ર૦રપમાં ફરિયાદ નોંધાવી હતી તે મુજબ ભાવિકભાઈ વર્ષ ર૦૦૪માં એરટેલ કંપનીમાં મેનેજર હતા તે સમયે નીરવ દવે એરટેલ કંપનીની ઓમ એન્ટરપ્રાઈઝ નામે ઈન્ફોસિટી મોલ-૧માં એજન્સી ચલાવતો હોવાથી બન્ને વચ્ચે પરિચય થયો હતો.

નીરવ દવે અવાર-નવાર ભાવિક પટેલ પાસેથી પૈસા ઉધાર લેતો અને સમયસર વળતર સાથે પરત આપી દેતો હતો. દરમિયાન સપ્ટેમ્બર ર૦ર૩માં નીરવ દવેએ ભાવિક પટેલને કહ્યું કે, તેની કંપની ઓમ એન્ટરપ્રાઈઝને વડનગરના શર્મિષ્ઠા તળાવના પાંચ વર્ષના મેન્ટેનન્સનું ટેન્ડર મળ્યું છે. આ ટેન્ડરનો ઈ-મેલ બતાવીને તેણે ભાવિક પટેલ અને તેમના મિત્રો તથા સંબંધીઓ પાસે કરોડોનું રોકાણ કરાવ્યું અને તે પછી છેતરપિંડીની શરૂઆત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.