Western Times News

Gujarati News

બે વર્ષમાં 13.5 લાખથી વધુ મુલાકાતીઓએ દ્વારકા નજીકના શિવરાજપુર દરિયાકિનારાની સુંદરતા માણી

શિવરાજપુર ભારતના બ્લૂ ફ્લેગ બીચની યાદીમાં સામેલ, સ્વચ્છ પાણી અને સ્કુબા ડાઇવિંગ માટે લોકપ્રિય સ્થળ-2020માં બ્લૂ ફ્લેગ બીચ સર્ટિફિકેશન મળ્યા બાદ શિવરાજપુર બીચ ભારતના બ્લૂ ફ્લેગ બીચની યાદીમાં સામેલ થયો છે.

VGRCના આયોજનથી શિવરાજપુર અને સ્થાનિક પ્રવાસન ક્ષેત્રના મહત્વને ઉજાગર કરવામાં આવશે

દ્વારકા, શ્રી કૃષ્ણની નગરી દ્વારકાથી 12 કિલોમીટરના અંતરે સ્થિત શિવરાજપુર દરિયાકિનારો તેની વિશેષતાઓના લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામ્યો છે અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વર્ષ 2023 અને 2024માં 13 લાખ 58 હજારથી વધુ પ્રવાસીઓએ શિવરાજપુર દરિયાકિનારાની મુલાકાત લીધી છે. આ રીતે સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપીને ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર રાજ્યના આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે અને રાજ્યના વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ લિમિટેડ (TCGL) અનુસાર, વર્ષ 2023માં 6,78,647 અને 2024માં 6,80,325 પ્રવાસીઓ શિવરાજપુર દરિયાકિનારાની મુલાકાતે આવ્યા હતાં. 2020માં બ્લૂ ફ્લેગ બીચ સર્ટિફિકેશન મળ્યા બાદ શિવરાજપુર બીચ ભારતના બ્લૂ ફ્લેગ બીચની યાદીમાં સામેલ થયો છે.

પાણીની ગુણવત્તા, પર્યાવરણની જાળવણી, સુરક્ષા અને સેવાઓને આવરી લેતા 32 માપદંડોના આધારે આ પ્રમાણપત્ર આપવામાં આવે છે. અહીં સ્કુબા ડાઇવિંગ, બોટિંગ અને સ્કિઇંગ જેવી સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓની સુવિધા પણ ઉપલબ્ધ છે.

શિવરાજપુરની સફળથા ‘દેખો અપના દેશ’ પહેલ સાથે સુસંગત છે. આ પહેલની શરૂઆત જાન્યુઆરી 2020માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય પાંચ શ્રેણીઓ અંતર્ગત સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે. આ પાંચ શ્રેણીઓ છે: આધ્યાત્મિક, સંસ્કૃતિ અને વારસો, પ્રકૃતિ અને વન્યજીવન, એડવેન્ચર અને અન્ય. દેશવ્યાપી આ અભિયાનને આગળ લઇ જવામાં શિવરાજપુર દરિયાકિનારાનું મહત્વપૂર્ણ યોગદાન છે.

આ વિસ્તારમાં પ્રવાસન અને સ્થાનિક આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે અમુક મોટી પહેલો પણ હાથ ધરી છે. ક્ષેત્ર વિશિષ્ટ રોકાણ મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ (VGRC)નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ કૉન્ફરન્સની બીજી આવૃત્તિ 8-9 જાન્યુઆરીએ રાજકોટમાં યોજાશે જે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર પર કેન્દ્રિત છે. આ કૉન્ફરન્સમાં શિવરાજપુર જેવા પ્રવાસન આકર્ષણોને ઉજાગર કરવામાં આવશે જે દર્શાવે છે કે પ્રાકૃતિક સંસાધનો અને સાંસ્કૃતિક વારસાનો આયોજનબદ્ધ રીતે ઉપયોગ કરીને રાજ્ય વિકાસ વિકસિત ગુજરાત@2047 તરફ અગ્રેસર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.