Western Times News

Gujarati News

ગુજરાતમાંથી ૧૦૦૦થી વધુ સિમ કાર્ડ દુબઈ મોકલી સાઇબર કૌભાંડ આચરનાર ઝડપાયો

‘ડિજિટલ અરેસ્ટ’ ફ્રોડની તપાસમાં ઘટસ્ફોટ

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં થોડાક દિવસ પહેલાં એક સિનિયર સિટીઝન સાથે થયેલા ૨૫ લાખ રૂપિયાના ડિજિટલ અરેસ્ટ ફ્રોડની તપાસમાં અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસે મોટું આંતરરાષ્ટ્રીય સિમ કાર્ડ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીએ છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાંથી ગેરકાયદે રીતે ૧૦૦૦થી વધુ સિમ કાર્ડ દુબઈ સ્થિત કોલ સેન્ટરોમાં મોકલીને મોટું નેટવર્ક ચલાવ્યું હતું.

પોલીસના જણાવ્યાનુસાર, થોડા સમય પહેલાં અમદાવાદમાં એક સિનિયર સિટીઝન સાથે ૨૫ લાખ રૂપિયાનું ‘ડિજિટલ અરેસ્ટ’ ફ્રોડ થયું હતું. આ ફ્રોડમાં વપરાયેલા વોટ્‌સએપ નંબરની કોલ ડિટેલ કઢાવતા તે અમદાવાદના એક વ્યક્તિના નામે નોંધાયેલો હોવાનું જણાયું હતું. જે ગ્રાહકના નામે સિમ કાર્ડ હતું, તેમણે પોલીસને જણાવ્યું કે તે તેમના પિતાનું સિમ કાર્ડ પોતાના નામે ટ્રાન્સફર કરાવવા માટે એક એરટેલ એજન્ટ પાસે ગયા હતા.

એજન્ટે ટ્રાન્સફરના બહાને તેમના બાયોમેટ્રિક્સ અને દસ્તાવેજો મેળવી લીધા, પરંતુ પછી ‘ટેકનિકલ એરર’નું બહાનું આપી ટ્રાન્સફર ન થઈ શક્યું હોવાનું કહી દીધું હતું. તપાસમાં ખુલાસો થયો કે ગ્રાહકની જાણ બહાર આ સિમ કાર્ડ ઇશ્યૂ કરીને તરત જ તેને દુબઈ મોકલી દેવામાં આવ્યું હતું, જેનો ઉપયોગ સાઈબર ક્રાઇમ અને ગેરકાયદે બેટિંગ કોલ સેન્ટરોમાં થઈ રહ્યો હતો.

સાઇબર ક્રાઇમ પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી અને ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. આ કૌભાંડમાં મુખ્ય ભૂમિકા વિજય રાવળની હતી, જે એરટેલનો એજન્ટ અને મુખ્ય ડિસ્ટ્રીબ્યુટર હતો. તે ગ્રાહકોના નામે ગેરકાયદે રીતે સિમ કાર્ડ ઇશ્યૂ કરતો હતો. પકડાયેલા મોટાભાગના સિમ કાર્ડ એરટેલના હતા, કારણ કે કંબોડિયાના કોલ સેન્ટરોમાં નેટવર્ક કનેક્ટિવિટીને લીધે તેની વધુ માંગ હતી.

શુભમ પરાડિયા અને કિરણ ઠક્કર ઈશ્યૂ થયેલા સિમ કાર્ડ એકત્રિત કરીને દુબઈ મોકલવામાં મદદ કરતા હતા. આ ત્રણેયે બે વર્ષમાં ૧૦૦૦ જેટલા સિમ કાર્ડ દુબઈ મોકલ્યા હતા. ચોથો આરોપી કુલદીપ જોશી છે,

જે દુબઈમાં બે વર્ષથી ગેરકાયદે બેટિંગ કોલ સેન્ટરોમાં કામ કરતો હતો અને માસિક ૨૦,૦૦૦થી ૨૫,૦૦૦ રૂપિયા પગાર મેળવતો હતો. જ્યારે પણ તે ગુજરાત આવતો ત્યારે શુભમ અને કિરણ પાસેથી સિમ કાર્ડ મેળવીને દુબઈ પહોંચાડવાનું કામ કરતો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, દુબઈમાં બે મુખ્ય આરોપીઓ ભાવેશ જોશી ઉર્ફે લાદેન અને કનુ વારાહી આ સિમ કાર્ડ રિસીવ કરતા હતા અને તેનો ઉપયોગ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં કરાવતા હતા.

તે ભારતમાં સિમ કાર્ડ ઇશ્યૂ કરનારાઓને પ્રતિ સિમ ૧૫૦૦ રૂપિયા ચૂકવતા હતા. ભારતના આરોપીઓ ગ્રાહકોને ૫૦૦થી ૭૦૦ રૂપિયા આપીને અથવા કન્સ્ટ્રક્શનના મજૂરોને ટાસ્ક પૂરો કરવાના બહાને શોધીને સિમ કાર્ડ ઇશ્યૂ કરાવતા હતા.

આ ઉપરાંત પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪ દરમિયાન ગુજરાતમાંથી ૧૦૦૦ જેટલા સિમ કાર્ડ દુબઈ પહોંચાડાયા છે, જેનો ઉપયોગ ગેરકાયદે બેટિંગ, ગેમિંગ અને સાઇબર ક્રાઈમ માટે થતો હતો. પોલીસે દુબઈમાં રહેલા ભાવેશ જોશી ઉર્ફે લાદેન અને કનુ વારાહીની ધરપકડ માટે વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.