Western Times News

Gujarati News

આરોપી પ્રેમીનું પોલીસ કસ્ટડીમાં હાર્ટએટેકથી મોત

મોરબી, મોરબીમાં છેલ્લા ત્રણ મહિનાથી લીવ-ઈન રિલેશનશિપમાં રહેતા એક યુગલ વચ્ચે ઝઘડો થતાં ૨૦ વર્ષીય યુવતીની તેના પ્રેમીએ લાકડાના ધોકા અને પટ્ટા વડે માર મારી હત્યા કરી દીધી હતી.

મૃતક યુવતીના મોઢા અને ગાલ પર આરોપીએ અસંખ્ય બચકાં ભરી ભયાનક ઈજાઓ પહોંચાડી હતી, જે મૃત્યુનું કારણ બની હતી. જોકે, પોલીસે આરોપીની અટકાયત કરી પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવી હતી, જ્યાં છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ તેનું પણ હાર્ટએટેકથી કરૂણ મોત થયું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ, ગત તારીખ ૨૯ નવેમ્બરના રોજ મોરબીના લખધીરપુર ગામ નજીક આવેલા લેક્સસ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં મૂળ મધ્યપ્રદેશના રહેવાસી નરેન્દ્રસિંહ કમલસિંગ ધ્›વેલ (ઉં.૨૫) અને તેની સાથે છેલ્લા ત્રણ મહિનાથી રહેતી પુષ્પાદેવી ગંભીરસિંહ મરાવી (ઉં.૨૦) વચ્ચે ઝઘડો થયો હતો.

આ ઝઘડા દરમિયાન પ્રેમી નરેન્દ્રસિંહે પોતાની પ્રેમિકા પુષ્પાદેવીને ઢોર માર માર્યાે હતો.પોલીસે આપેલી વિગતો અનુસાર, યુવતીના શરીર પર લાકડાના ધોકા અને પટ્ટા વડે માર માર્યાના નિશાન જોવા મળ્યા હતા.

આ ઉપરાંત, સૌથી ચોંકાવનારી વિગત એ છે કે આરોપીએ પુષ્પાદેવીના મોઢા અને ગાલ પર અસંખ્ય બચકાં પણ ભર્યા હતા. ડીવાયએસપી વિરલ દલવાડીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં ડોક્ટરોએ પુષ્ટિ કરી છે કે વધુ પડતી ઈજા અને શારીરિક પીડાને કારણે યુવતીનું મોત નીપજ્યું હતું.બનાવની જાણ થતાં જ તાલુકા પીઆઇ એસ.કે. ચારેલ અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પૂછપરછ દરમિયાન નરેન્દ્રસિંહે હત્યાની કબૂલાત કરી હતી. કબૂલાત બાદ પોલીસે આરોપી નરેન્દ્રસિંહ ધ્›વેલની અટકાયત કરી તેને તાલુકા પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા.

જોકે, પોલીસ કસ્ટડીમાં જ આરોપી નરેન્દ્રસિંહને અચાનક છાતીમાં તીવ્ર દુઃખાવો ઉપડ્યો અને તે બેભાન થઈ ગયો. તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યાે હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, યુવાનના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું હતું, જેમાં તેનું મૃત્યુ હાર્ટએટેક (કાર્ડીયાક એરેસ્ટ)ના કારણે થયું હોવાનું સામે આવ્યું છે.એક જ બનાવમાં યુવતીની હત્યા અને આરોપી યુવાનનું પોલીસ કસ્ટડીમાં મોત થતાં સમગ્ર મામલો ગૂંચવાયો છે. પોલીસે આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ડીવાયએસપી વિરલ દલવાડીએ વધુમાં જણાવ્યું હતું કે, બંને મૃતકના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમાર્ટમ કરવામાં આવ્યું છે, જેના રિપોર્ટ બાદ યુવતીના મોતનું કારણ (માર અને બચકાં) અને યુવકના મોતનું કારણ (હાર્ટએટેક) વધુ સ્પષ્ટ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.