Western Times News

Gujarati News

ડીજીટલ એરેસ્ટ સ્કેમમાં બેંકની પણ તપાસ કરવામાં આવે: સુપ્રીમ કોર્ટ

ડિજિટલ અરેસ્ટના કેસની તપાસ CBI કરશે -આ સ્કેમથી અનેક લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવી લેવાયા, આ મામલો હવે એટલો મોટો થઈ ગયો છે કે તાત્કાલિક કાર્યવાહી જરૂરી છે: સુપ્રીમ

(એજન્સી)નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ડિજિટલ અરેસ્ટ મામલે સખત વલણ અપનાવ્યું છે અને CBIને આખા દેશમાં તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં આ સ્કેમથી અનેક લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવવામાં આવ્યા છે.

કોર્ટે કહ્યું કે આ મામલો હવે એટલો મોટો થઈ ગયો છે કે તાત્કાલિક કાર્યવાહી જરૂરી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે દેશના બધા રાજ્યો, પછી ત્યાં કોઈ પણ પાર્ટીની સરકાર હોય, સીબીઆઈને આ તપાસ માટે તાત્કાલિક મંજૂરી આપે. સુપ્રીમ કોર્ટે માન્યું કે આટલા મોટા નેટવર્કવાળા ફ્રોડને રોકવા માટે એક જ એજન્સી દ્વારા કેન્દ્રિત રીતે તપાસ કરાવવી સૌથી જરૂરી છે.

કોર્ટે સીબીઆઈને એ પણ છૂટ આપી છે કે જો કોઈ બેંકે ખોટી રીતે એકાઉન્ટ ખોલ્યા હોય અને તેનો ઉપયોગ આ સાયબર ફ્રોડમાં થયો હોય, તો તે બેંકરોની પણ તપાસ કરવામાં આવે. આ તપાસ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ થશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, બેંકિંગ સિસ્ટમમાં જે કોઈ નબળાઈઓ છે, તેને બહાર કાઢવી જરૂરી છે, કારણ કે સ્કેમર્સ આ જ ખામીનો લાભ ઉઠાવે છે.

ડિજિટલ અરેસ્ટ સ્કેમ ફોન કોલ, વીડિયો કોલ અને મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા ચાલે છે. એટલે કોર્ટે મેટા, ગૂગલ, તથા બાકી સોશિયલ મીડિયા કંપનીઓને સ્પષ્ટ કહ્યું છે કે સીબીઆઈને જરૂરી બધા ડેટા, માહિતી અને ટેકનિકલ મદદ તુરંત ઉપલબ્ધ કરાવવામાં આવે. કોર્ટે એ પણ માન્યું કે સ્કેમર્સ પોતાને પોલીસ, એજન્સી કે સરકારી અધિકારી ગણાવીને ડર ફેલાવે છે અને લોકો ડરીને પૈસા મોકલી દે છે. એટલે ડિજિટલ પ્લેટફોર્મનો સહયોગ અત્યંત જરૂરી છે.

સુપ્રીમ કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો છે કે, જો તપાસમાં એવું સામે આવે કે આ ગેંગ ભારતની બહારથી કામ કરે છે અથવા વિદેશમાં પૈસા મોકલવામાં આવ્યા છે, તો સીબીઆઈ ઇન્ટરપોલની મદદ લઈ શકે છે. બન્ને દેશોની એજન્સીઓ વચ્ચે સંકલન સાધીને કાર્યવાહી કરી શકાશે, જેથી આંતરરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલા નેટવર્કને ખતમ કરી શકાય. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે ટેલિકોમ ડિપાર્ટમેન્ટને કહ્યું છે કે, તેઓ જણાવે કે આટલા મોટા પાયે ફેક સિમ કેવી રીતે જારી થઈ રહ્યા છે અને તેને રોકવા શું નવાં પગલાં લઈ શકાય.

કોર્ટે કહ્યું કે, સ્કેમર્સ નકલી ઓળખપત્રો અને ખોટા દસ્તાવેજો પર સિમ લે છે અને એ જ નંબરોથી લોકોને ધમકાવવાના કે ફસાવવાના કોલ કરે છે. સુપ્રીમ કોર્ટે આરબીઆઈને સલાહ આપી છે કે, તે ટેકનોલોજીનો વધારે ઉપયોગ કરે. ખાસ કરીને એઆઈ અને મશીન લ‹નગની મદદથી આ ફેક એકાઉન્ટ્‌સની ઓળખ, ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન રોકવા અને મ્યૂલ એકાઉન્ટ્‌સ પકડવાની સિસ્ટમને વધુ મજબૂત કરવામાં આવે.

કોર્ટે કહ્યું કે બેંકોને ઘણી વાર મોડી ખબર પડે છે કે એકાઉન્ટનો ખોટો ઉપયોગ થયો છે, એટલે ટેકનોલોજીને વધુ ઝડપી અને સ્માર્ટ બનાવવી જરૂરી છે. કોર્ટે તમામ રાજ્ય સરકારોને એ પણ નિર્દેશ આપ્યો છે કે તેઓ પોતાની સાઇબર ક્રાઇમ યુનિટ્‌સને વધુ ઝડપી, સક્ષમ અને સંસાધનયુક્ત બનાવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.