સિવિલ હોસ્પિટલમાં 15 મહિનાના બાળકની હોજરી ખેંચી અન્નનળી બનાવાઈ
(એજન્સી)અમદાવાદ, અમદાવાદની સિવિલ હોસ્પિટલ જટિલમાં જટિલ સર્જરી થકી દર્દીઓને નવજીવન આપવા માટે દેશભરમાં જાણીતી છે. સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના ડૉક્ટરોની ટીમે માત્ર ૧૫ મહિનાના બાળક પર અત્યંત દુર્લભ ગણાતી ‘ગેસ્ટ્રિક પુલ અપ સર્જરી’ સફળતાપૂર્વક કરીને, જન્મથી જ ટ્યુબ દ્વારા ભોજન લેવા મજબૂર બાળકને સામાન્ય જીવન આપ્યું છે.
મહારાષ્ટ્રના મુંબઈના રહેવાસી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ધવલ ઉનડકટ અને અમીબેનના ૧૫ મહિનાના પુત્ર હિમાંક્ષને જન્મથી જ ઈસોફેજીયલ એટ્રીસીયા નામની દુર્લભ જન્મજાત ખામી હતી.
પીડિયાટ્રિક સર્જરી વિભાગના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીના જણાવ્યાનુસાર, ઈસોફેજીયલ એટ્રીસીયા ૪૦૦૦ બાળકોમાંથી એકમાં જોવા મળતી દુર્લભ ખામી છે, જેમાં બાળકને અન્નનળી બનેલી જ નહોતી. જન્મ સમયે તાત્કાલિક ઓપરેશન કરીને ગળામાં કાણું કરવામાં આવ્યું, જેથી લાળ બહાર આવે અને હોજરીમાં ટ્યુબ મૂકવામાં આવી, જેના દ્વારા ૧૫ મહિના સુધી હિમાંક્ષ ખોરાક લેતો હતો.

ખાનગી હોસ્પિટલો દ્વારા આ જટિલ સર્જરી માટે આશરે ૮ લાખ રૂપિયાનો ખર્ચો જણાવવામાં આવ્યો હતો. જો કે, અન્ય દર્દીઓની સફળ સારવાર વિશે જાણીને હિમાંક્ષના માતા-પિતાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ સર્જરી કરાવવાનો નિર્ણય કર્યો.
૨૯-૧૦-૨૦૨૫ના રોજ ડૉ. રાકેશ જોષી (પ્રોફેસર, પીડિયાટ્રિક સર્જરી વિભાગ) અને ડૉ. નમ્રતા શાહ (એસોસિયેટ પ્રોફેસર, એનેસ્થેસિયા વિભાગ) દ્વારા આ ગેસ્ટ્રિક પુલ અપ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી. આ સર્જરીમાં હોજરીને ખેંચીને તેમાંથી નવી અન્નનળી બનાવવામાં આવે છે, જેથી બાળક મોઢેથી ખોરાક લઈ શકે છે.
સર્જરી બાદ પોસ્ટઓપરેટિવ પીરિયડ કોઈ પણ તકલીફ વગરનો રહ્યો હતો, અને બાળકે જીવનમાં પહેલીવાર મોઢા દ્વારા ખાવાનું શરૂ કર્યું. હિમાંક્ષને પહેલીવાર મોંઢેથી ખોરાક લેતાં જોઈને તેના માતા-પિતા સહિતના પરિવારજનો હરખનાં આંસુઓ સાથે ગદગદિત થઈ ગયા હતા અને સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોનો આભાર માન્યો હતો. બાળકની સ્થિતિ સામાન્ય અને સંતોષકારક જણાતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
