સરકારી બેદરકારી અને ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો: ૫૦ વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી
(એજન્સી)ભોપાલ, મધ્યપ્રદેશમાં રાયસેલ જિલ્લાના બરેલી તાલુકામાં સરકારી બેદરકારી અને ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો સોમવારે સવારે જોવા મળ્યો, જ્યારે બરેલી-પિપરિયા સ્ટેટ હાઇવે પર આવેલો નયાગાંવ પુલ ધરાશાયી થઈ ગયો.
આ પુલના કાટમાળ નીચે ૧૦ લોકો દટાયાની માહિતી સામે આવી રહી છે. જેમાં પુલ પરથી પસાર થતા બાઈકસવાર અને પુલની નીચે “સમારકામ” કરી રહેલા શ્રમિકોનો સમાવેશ થાય છે.
આ દુર્ઘટના કોઈ કુદરતી આફત નથી, પરંતુ સરકારી એજન્સી મધ્યપ્રદેશ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનની ઘોર બેદરકારીનું જીવંત ઉદાહરણ છે. આ ૫૦ વર્ષ જૂનો પુલ ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં હતો. પરંતુ જવાબદાર અધિકારીઓએ તેને નવો બનાવવાની તસ્દી લેવાને બદલે, તેના પર માત્ર એક નવો રોડ પાથરીને સબ સલામતનો દેખાડો કર્યો હતો.
એટલું જ નહીં, શાસનની બેદરકારી તો જુઓ કે, આ ચાલુ અને જોખમી પુલની નીચે સેન્ટિંગ લગાવીને સમારકામ ચાલી રહ્યું હતું, જ્યારે ઉપરથી વાહનવ્યવહાર બેરોકટોક ચાલુ હતો. જાણે કે પ્રશાસન કોઈ મોટી દુર્ઘટના ઘટવાની જ રાહ જોઈ રહ્યું હોય! આખરે, સોમવારે સવારે પુલનો એક ભાગ તૂટી પડ્યો અને ઉપર બાઈક પર સવાર ૪ લોકો નીચે ખાબક્્યા, જ્યારે નીચે કામ કરી રહેલા ૮ મજૂરો કાટમાળ નીચે દટાયા.
દુર્ઘટના ઘટ્યા બાદ, પરંપરા મુજબ, જિલ્લા કલેક્ટર અને એસપી સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી એકની હાલત ગંભીર હોવાથી તેને ભોપાલ રિફર કરવામાં આવ્યો છે.
હવે આ મામલે તપાસના આદેશો અપાશે, સમિતિઓ રચાશે અને કદાચ કોઈ નાના અધિકારી પર દોષનો ટોપલો ઢોળીને ફાઇલો બંધ કરી દેવાશે. પરંતુ સવાલ એ છે કે, જનતાના જીવના જોખમે ચાલતા આવા વિકાસના નાટકો ક્્યાં સુધી ચાલતા રહેશે?
