કોંગ્રેસ પાર્ટીની મહત્ત્વની બેઠકમાં શશી થરુર કેમ ગેરહાજર રહ્યા?
(એજન્સી)નવી દિલ્હી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશી થરૂર છેલ્લા કેટલાક સમયથી પાર્ટીથી અંતર જાળવી રહ્યા હોવાની ચર્ચાઓએ ફરી જોર પકડ્યું છે.
એક તરફ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારના નિર્ણયોના વખાણ કરી રહ્યા છે, તો બીજી તરફ પાર્ટીની મહત્ત્વપૂર્ણ બેઠકોમાં ગેરહાજર રહી રહ્યા છે.
તાજેતરમાં જ, તેઓ વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં હાજર રહ્યા પરંતુ તેના બીજા જ દિવસે કોંગ્રેસની બેઠકમાંથી ગેરહાજર રહેતા રાજકીય ગલિયારામાં અનેક તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે.
તાજેતરમાં, શશી થરૂર SIR (મતદાર યાદી સુધારણા)ના વિરોધમાં વ્યૂહનીતિ બનાવવા માટે બોલાવવામાં આવેલી કોંગ્રેસની બેઠકમાં સ્વાસ્થ્યના કારણોસર હાજર રહ્યા ન હતા. હવે તેઓ સંસદના શિયાળુ સત્રની વ્યૂહનીતિ ઘડવા માટેની બેઠકમાં પણ ગેરહાજર રહ્યા હતા.
આ બાબતે વિવાદ એટલા માટે વધ્યો કારણ કે, કોંગ્રેસની બેઠકના એક દિવસ પહેલા જ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને પીએમ મોદીના વખાણ પણ કર્યા હતા.
આ મુદ્દે કોંગ્રેસના અન્ય નેતાઓએ તેમને નિશાના પર લીધા હતા. જોકે, થરૂરે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે તેઓ કેરળમાં તેમની ૯૦ વર્ષીય માતા સાથે હોવાથી બેઠકમાં હાજર રહી શક્્યા ન હતા.
ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલ પણ સ્થાનિક ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાથી હાજર રહી શક્યા ન હતા. આમ છતાં, પાર્ટીની અંદર થરૂર સામે નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી છે.
કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું, “વડાપ્રધાનના ભાષણમાં પ્રશંસા કરવા જેવું કંઈ નહોતું, તેમ છતાં શશી થરૂરને તે સારું લાગ્યું. મને એ નથી સમજાતું કે કોંગ્રેસ પર નિશાન સાધવામાં આવ્યું તે તેમને કેમ ગમ્યું?” એક અન્ય કોંગ્રેસી નેતાએ તો ત્યાં સુધી કહ્યું કે જો તેમને ભાજપની નીતિઓ આટલી જ સારી લાગતી હોય, તો તેઓ કોંગ્રેસમાં શા માટે છે?
સોશિયલ મીડિયા પર પણ શશી થરૂરના આ વલણને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને લોકો સવાલ પૂછી રહ્યા છે કે, “શું શશી થરૂર ભાજપમાં જોડાવાનું વિચારી રહ્યા છે?” થરૂરે જે ભાષણના વખાણ કર્યા હતા, તે જ ભાષણમાં વડાપ્રધાન મોદીએ ‘ગુલામીની માનસિકતા’નો ઉલ્લેખ કરીને કોંગ્રેસની આકરી ટીકા કરી હતી.
