Western Times News

Gujarati News

ઝઘડિયાથી વાલીયા રોડ પર સેલોદ ગામે આવેલ પુલમાં મોટું ગાબડું પડ્‌યું

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડિયા તાલુકામાં સ્ટેટ હાઈવે હોય જિલ્લા પંચાયતના રસ્તા હોય કે વડાપ્રધાન ગ્રામ સડક યોજનાના રસ્તા હોય ઝઘડિયા તાલુકાના રસ્તાના સમારકામ બાબતે હંમેશા જવાબદાર તંત્ર દ્વારા ઓરમાયું વર્તન થતું હોવાના ઘટનાઓ સામે આવી છે.

સરદાર પ્રતિમાને જોડતા હાઈવેની પણ હાલત તદ્દન બદતર થઈ છે.ત્યારે ઝઘડિયા તાલુકાથી વાલીયા તાલુકા અને ઝઘડિયા જીઆઈડીસીને જોડતા મુખ્ય માર્ગ પર આવેલ સેલોદ ગામ પાસેના પુલમાં ફરી વખત મોટું ગાબડું પડ્‌યું છે.

આ માર્ગ અને પુલ પરથી ઝઘડિયા જીઆઈડીસીમાં સેકડો માલવાહક વાહનો જેવા કે ટ્રક હાઈવા ટેન્કરો કન્ટેનરો રોજિંદા પસાર થાય છે.ઉપરાંત બે તાલુકાના જોડતો આ મુખ્ય માર્ગ હોય સામાન્ય જનતા પણ તેમજ જીઆઈડીસીમાં અપડાઉન કરતા કામદારો, કંપનીઓની ટેક્સીઓ,લક્ઝરી બસ આ માર્ગ પરથી પસાર થાય છે.છતાં પણ જવાબદાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગ પ્રત્યે બેદરકારી રાખવામાં આવે છે જે એક ગંભીર બાબત છે,

આ અગાઉ પણ આ જ પુલ પર મોટું ગાબડું પડ્‌યું હતું તેને કેવી રીતે અને કયા પ્રકારનું સમારકામ કર્યું તે સમજાતું નથી! ફરીથી એ જ જગ્યાએ ગાબડું પડવાના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકો બ્રિજ પરથી પસાર થતા ભય અનુભવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખની છે કે થોડા સમય પૂર્વે જ માર્ગ અને મકાન વિભાગની ઈજનેરોની ટીમ દ્વારા આ બ્રિજનો સર્વે કરવામાં આવ્યો હતો.સર્વે દરમ્યાન કલાકો સુધી આ બ્રિજ પરથી વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો હતો.ત્યારે માર્ગ અને મકાન વિભાગ સામે ફરીથી આ ગાબડું પડતા પ્રશ્નો ઉપસ્થિત થયા છે.સત્વરે માર્ગ અને મકાન વિભાગ તથા તેને લગતા જવાબદાર તંત્ર આ બ્રિજને ફરીથી પડેલ ગાબડું વ્યવસ્થિત રીતે સમારકામ કરે જેથી કોઈ મોટી ઘટના ભવિષ્યમાં બની ના શકે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.