વડિયામાં રેશનીંગનું અનાજ બારોબાર વેચવાનું કારસ્તાન ઝડપાયું ઃ ૧૧૭૭ કિલો ઘઉં જપ્ત
પ્રતિકાત્મક
વડિયા, વડિયા પંથકમાં રેશનના અનાજનું ગ્રાહકો દ્વારા વેચાણ થતું હોવાની અને અમુક ઈસમો આ અનાજ ખરીદ કરીને ફેરી કરવા નીકળી મોટો જથ્થો ખરીદ કરતા હોવાની જાણકારી મળતા ઈન્ચાર્જ મામલતદાર કેજરભાઈ સિંધી અને ઈન્ચાર્જ પુરવઠા મામલતદાર કુલદીપસિંહ સિંધવે તપાસ હાથ ધરી હતી.
વડિયાથી અમરનગર રોડ પર એક રિક્ષા અનાજના કટ્ટા ભરીને આવતી હોય તે સ્થળ બાજુના રોડ પર તપાસ ચલાવી હતી તેમાં વડિયાથી અમરનગર જવાના રસ્તે એક રિક્ષા સામે મળતા તેને રોકાવી તપાસ કરતા તેમાં ઘઉંનો જથ્થો ભરેલો હતો. તે અંગેના પુરાવાઓ માંગતા તે જથ્થો બિન અધિકૃત હોવાનું જણાઈ આવતા આ જથ્થાને વડિયા ગોડાઉનમાં લઈ જવાયો હતો.
વજન કરતા કુલ ૧૧૭૭.૧ર કિગ્રા ઘઉંનો જથ્થો પુરવઠા ગોડાઉન ખાતે સીઝન કરાયો હતો. જે રિક્ષામાં જથ્થો લઈને આવતા તે છકડો રિક્ષા વડિયા પોલીસને સોંપવામાં આવી હતી. આ બિન અધિકૃત અનાજના જથ્થો લઈ આવતા બે ઈસમો અલ્ફાઝ માલવિયા અને ઈભરામ માલવિયા સામે ઈન્ચાર્જ મામલતદાર કેજરભાઈ સિંધી, પુરવઠા ઈન્ચાર્જ મામલતદાર કુલદીપસિંહ સિંધવ અને કલાર્ક દીપકભાઈ પરમારે આવશ્યક વસ્તુઓ તળે આવતા અનાજ ઘઉંનું બિન અધિકૃત વહન કરવાની પ્રવૃતિ અને આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ મુજબ મળેલી સત્તા મુજબ નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી.
ઈન્ચાર્જ મામલતદારની અનાજ માફિયાઓ સામેની લાલ આંખ સમી કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. આ ઘઉં ક્યાંથી આવ્યા ? કયા રેશનકાર્ડ ધારકોએ આ રેશનિંગ જથ્થો વેચ્યો છે તેની તપાસ કરવી જરૂરી છે. આવા ખોટા ગરીબ બની બેઠેલા લોકો કે જે સસ્તા અનાજની દુકાનમાંથી રેશનિંગનો જથ્થો સસ્તા ભાવે ખરીદી ઉંચા ભાવે અનાજ માફિયાઓને વેચી સરકારની તિજોરીને નુકસાન પહોંચાડે છે તેની સામે પણ કડક કાર્યવાહી કરવી જરૂરી બની છે.
