ગુજરાતમાં “હમારા શૌચાલય, હમારા ભવિષ્ય” અભિયાન અંતર્ગત શૌચાલયોનુ રંગ-રોગાન કરાયું
મરામત, વ્યાપક સાફ-સફાઈ બાદ સુંદર ભિંતચિત્રો થકી નાગરિકોને સ્વચ્છતા અંગે જાગૃત કરાયા
વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે ગુજરાતમાં “હમારા શૌચાલય, હમારા ભવિષ્ય” અભિયાન અંતર્ગત સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ દ્વારા સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ વધારવા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત વિવિધ ગામોના તમામ સામૂહિક તથા વ્યક્તિગત શૌચાલયોની મરામત, વ્યાપક સાફ-સફાઈ અને રંગરોગાન કરવામાં આવ્યું હતું.
આ અભિયાનને સફળ બનાવવા ગ્રામ પંચાયત, સ્વચ્છતા કમિટી, સ્થાનિક સ્વયંસેવકોનો સક્રિય સહકાર મળ્યો છે. શૌચાલયોની દીવાલોને નવી રંગત આપવામાં આવી હતી તેમજ તૂટેલી ટાઇલ્સ, દરવાજા અને પાણીની ટોટીઓ જેવી સુવિધાઓની મરામત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત નિકાલની વ્યવસ્થા, ડ્રેનેજ અને આસપાસના પરિસરની સંપૂર્ણ સફાઈ પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

મોરબી જિલ્લાના જૂના સાદુળકા, બાદનપર, વીરવાવ ગામમાં સામુહિક શૌચાલયોને રંગરોગાન કરી સુશોભિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વલસાડ જિલ્લાના બરઈ, ફણસા, વીરવલ, પલાણ તેમજ અમદાવાદ જિલ્લાના નાના ડોડીસરા, સુરેન્દ્રનગર જિલ્લાનાં કળમ સહિત ગામોમા સામૂહિક શૌચાલયો અને વ્યક્તિગત શૌચાલયોને રંગરોગાન કરવામાં આવ્યું હતું.
“હમારા શૌચાલય, હમારા ભવિષ્ય” થીમ હેઠળ આયોજીત આ અભિયાન અંગે ગામના નાગરિકોને શૌચાલયના નિયમિત ઉપયોગ, સમયસર જાળવણી, હાથ ધોવાની આદત તેમજ સ્વચ્છતા પ્રત્યે જવાબદારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તદુપરાંત, સ્વચ્છતા પ્રતિજ્ઞા, સ્પર્ધા અને નાનકડા જાગૃતિ કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા હતા. વિશ્વ શૌચાલય દિવસ માત્ર એક ઉજવણી નથી, પરંતુ સ્વચ્છતા માટે સામૂહિક પ્રતિબદ્ધતાનો દિવસ છે. શૌચાલયની સુવિધા તમામ માટે ઉપલબ્ધ બનાવવાના સાથે તેની નિયમિત જાળવણી અને સંચાલન પણ એટલું જ મહત્વનું છે. આ અભિયાનથી ગામડાઓમાં સ્વચ્છતા અંગે નવો ઉત્સાહ જોવા મળશે. સાથે જ, લોકોમાં શૌચાલયનો યોગ્ય ઉપયોગ કરવા તેમજ સ્વચ્છતાની સંસ્કૃતિ અપનાવવા પ્રેરણા પણ મળશે.
